સિદ્ધિ વિનાયક જૂથના બિલ્ડર અપૂર્વ પટેલની ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી

| Updated: July 2, 2022 2:04 pm

સિદ્ધિ વિનાયક જૂથના બિલ્ડર અપૂર્વ પટેલે ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને તેમને રઝળતા મૂકી દીધા છે. આરોપી અપૂર્વ પટેલે મેપલ સિગ્નેચર, મેપલ વિસ્ટા અને મેપલ વિન્ડોઝ જેવી સ્કીમોના ઓથા હેઠળ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા અને તેની ભવ્ય સ્કીમો બનાવીને લોકોને આંજી નાખ્યા. પણ પછી તેણે મોટાભાગના મકાનો અધૂરા છોડી દીધા છે. અપૂર્વ પટેલ સામે જુદા-જુદા પોલીસ મથકોમાં અનેક અરજીઓ થઈ છે, પરંતુ ગુના દાખલ કરવામાં આવતા ન હોવાની બૂમો ઉઠી રહી છે. અપૂર્વ પટેલના આ કારનામાનો ભોગ બનેલા અનેક લોકોએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી.

અપૂર્વએ મેપલ સિગ્નેચર-1 અને મેપલ મેડોઝ જેવી સ્કીમ મૂકી હતી. મેપલ-વનમાં દાંડિયા બજારમાં રહેતા સુનીતા અને તેમની પુત્રી સ્નેહલે 2019માં 6.60 લાખ આપીને ચોથા માળે બે ફ્લેટ બૂક કરાવ્યા હતા. અપૂર્વએ તે સમયે જુન 2021માં કબ્જો મળશે તેમ કહ્યુ હતું પરંતુ આજ દિન સુધી કબ્જો મળ્યો નથી.

આવી જ વાત માંજલપુરમાં રહેતા પારુલ શાહની છે. તેમણે પણ મેપલ પ્રોજેક્ટ માટે સાત લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં તેમને કબ્જો મળ્યો નથી. આ સિવાય દિવ્યા મયૂર પ્રજાપતિ, જીતેન્દ્ર રાજપુર, જિજ્ઞેશ મિસ્ત્રીએ તેમને રકમ ચૂકવી હોવા છતાં પણ તેઓ હજી પણ ઘર માટે વલખા મારી રહ્યા છે.

ફક્ત આ એક જ સ્કીમની વાત છે તેવું નથી જૂના પાદરા રોડ પર મેપલ મેડોઝ નામની સ્કીમમાં પણ આવી જ સ્થિતિ છે. 2016માં ફ્લેટ બુક કરાવનારા મેપલ મેડોઝના પ્રમુખ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે તેમણે 2017માં લોન લઇ બિલ્ડર અપૂર્વ પટેલને બધુ પેમેન્ટ ચૂકવી દીધું હતું. છતાં ત્રણ વર્ષ સુધી પઝેશન તેણે આપ્યું ન હતું. તેથી 2019માં મેં મારી જાતે જ મકાનનું પઝેશન લઈ લીધું હતું. તેના પછી આ મકાનમાં લાઇટ કનેકશન અને વગર બારી બારણાએ વરસતા વરસાદમાં રહેવું પડ્યું હતું. મારો ફ્લેટ છઠ્ઠા માળે છે ત્યારે દોઢ વર્ષ સુધી લિફ્ટ ચાલુ ન થતા મારા વૃદ્ધ માબાપે દાદરા ચઢીને ઉપર આવવું પડ્યું હતું. આ ઉપરાંત અપૂર્વએ કેટલાક મકાન માલિકો સાથે છેતરપિંડી કરતા તેમના ડબલ દસ્તાવેજ બનાવ્યા છે. આ ઉપરાંત મેઇન્ટનેન્સના લીધેલા પૈસા પણ સોસાયટીને આપ્યા નથી.

Your email address will not be published.