ગુજરાતના જીએસટી કલેકશનમાં 49 ટકાનો નોંધપાત્ર ઉછાળો

| Updated: July 2, 2022 1:14 pm

અમદાવાદઃ આર્થિક પ્રવૃત્તિ વેગવંતી બનવાની સાથે જીએસટી કલેકશનમાં ઉછાળો આવ્યો છે. તેની સાથે ગુજરાતના જીએસટી કલેકશનમાં પણ 49 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જુનમાં ગુજરાતનુ જીએસટી કલેકશન 49 ટકા વધીને 9,135 કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે જુનમાં ગુજરાતનું જીએસટી કલેકશન 6,129 કરોડ રૂપિયા હતું.

જો કે ટેક્સ કલેકશનમાં આ વૃદ્ધિ નીચા બેઝને આભારી છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોરોનાની નોંધપાત્ર અસર હતી અને આર્થિક પ્રવૃત્તિ જોઈએ તેવી પૂર્વવત્ થઈ ન હતી. જ્યારે ચાલુ વર્ષે આર્થિક પ્રવૃત્તિએ પણ વેગ પકડ્યો છે અને ફુગાવામાં પણ વૃદ્ધિ થઈ છે.

રાજ્યના વાણિજ્ય વેરા વિભાગના કમિશ્નર મિલિંદ તોરવનેએ જણાવ્યું હતું કે ગયા વર્ષની તુલનાએ આર્થિક વૃદ્ધિ ચોક્કસપણે વધારે છે. તેનું કારણ એ છે કે જુન 2021માં કારોબાર કોરોનાની બીજી વિનાશક લહેરની અસરમાંથી બહાર જ આવ્યા ન હતા. આર્થિક પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો ન હતો. તેની તુલનાએ ચાલુ વર્ષે આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેથી કરવેરાની આવકમાં પણ ઉછાળો જોવાયો છે.

ઉદ્યોગના વર્તુળોના જણાવ્યા મુજબ કરવેરાની આવકમાં આ વધારો ફક્ત વધેલી આર્થિક પ્રવૃત્તિને જ નહી પણ ફુગાવાને પણ આભારી છે. જો કે ફુગાવો સ્થિર થયો હોવા છતા કાચો માલ, ઔદ્યોગિક અને કન્ઝ્યુમર કોમોડિટીઝના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેની સાથે અસરકારક ટેક્સ કલેકશને પણ કરવેરાની આવકમાં વધારો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, એમ અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિએ જણાવ્યું હતું.

તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામૂહિક વપરાશની ચીજવસ્તુઓ પર જીએસટીના વેરામાં વધારો કરવામાં આવ્યો હતો અને કરરાહતો દૂર કરવામાં આવી હતી. કાઉન્સિલે હવે પ્રતિ દિન હજાર રૂપિયાથી ઓછું ભાડું દરાવતી હોટેલો પર પણ 12 ટકાના દરે વેરો નાખ્યો છે. જ્યારે પાંચ હજારથી વધારે ભાડુ ધરાવતા હોસ્પિટલ રૂમો પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગરની પાંચ ટકા લેવી નાખી છે. આ ઉપરાંત કેટલીક અનબ્રાન્ડેડ પ્રી-પેકેજ્ડ અને લેબલ ફૂડ આઇટેમ્સ પર પણ હવેથી પાંચ ટકા જીએસટી લાગશે. આમ જીએસટીમાં કરરાહતો દૂર કરાઈ રહી છે અને ટેક્સ નેટ વિસ્તારવામાં આવી રહી છે તેનો ફાયદો પણ તેને આગામી સમયમાં જોવા મળશે.

Your email address will not be published.