હિંમતનગરમાં ફરીથી સ્થિતિ વણસીઃ વણઝારા વાસમાં પથ્થરમારો થયો

| Updated: April 12, 2022 10:22 am

હિંમતનગરઃ રામનવમીના કાંકરીચાળા પછી ભડકેલા હિંમતનગરમાં સ્થિતિ માંડ-માંડ થાળે પડતી હતી ત્યાં વધુ મામલો બગડ્યો છે. હિંમતનગરમાં ફરીથી પથ્થરમારો થયો છે. શહેરના વણઝારા વાસમાં આ પથ્થરમારો થયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તરત જ કાર્યવાહી કરી હતી. તેણે પરિસ્થિતિ પર કાબુ મેળવવા છ ટીયરગેસ શેલ છોડ્યા હતા.

આમ રામનવમીના શોભાયાત્રા દરમિયાન હુમલો થતાં આઇબી હુમલો ઝડપાયું હતું. તે આ પ્રકારના હુમલા અંગેની બાતમી આપવામાં નિષ્ફળ ગયું હતું. આ સંજોગોમાં હવે આગામી તહેવારો વખતે પણ તકેદારી રાખવવી જરૂરી થઈ ગઈ છે.

હિંમતનગરમાં છાપરિયામાં દસમી એપ્રિલે રામનવમીની શોભાયાત્રામાં સામસામે પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસે આ પ્રકરણમાં ત્રણ ફરિયાદ નોંધી છે. રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અમે ત્રણ એફઆઇઆર નોંધીને 30થી પણ વધારે આરોપીઓની અટકાયત કરી છે. કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કર્યા છે. પરિસ્થિતિને અંકુશમાં રાખવા દોઢ હજાર જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં લગાવવામાં આવ્યા છે.

શાંતિ જાળવવામાં પોલીસ કર્મચારી ઇજા પામતા તેની ફરિયાદ નોંધાઈ છે. વહીવટીતંત્ર દ્વારા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરવામાં આવી છે. હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અર્જુન જોષીએ એહમદ હુસૈન ગ્યાસુદ્દીન સૈયદ, શાહરૂખ અજ્જીમિયા પઠાણ, જુનેદ, શાહરૂખની સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત હિંદુ-મુસ્લિમ ટોળાના 50-50 જણ સામે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓ પર દરગાહની ચાદરોને નુકસાન પહોંચાડવાનો, વાહનોને આગ ચાંપવાનો, ધાર્મિક લાગણી દુભાવવાનો, તોડફોડ કરી નુકસાન કરવાનો, પોલીસની ગાડીઓ પર હુમલો કરવાનો, પોલીસની ફરજમાં નડતરરૂપ થવાનો તથા હિંદુ-મુસ્લિમ ધર્મવિરુદ્ધનું ઉચ્ચારણ કરી ઉશ્કેરણી કરવાનો આરોપ લાગ્યો છે.

આ ઉપરાંત હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એલસીબીના પીએસઆઇ એસ જે ચાવડાએ અશફાકખાન ઉર્ફે રાજુ મેન્ટલ નામની વ્યક્તિ સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. દસમી એપ્રિલની ઘટનામાં એલસીબી પીએસઆઇ અને એક કોન્સ્ટેબલ ઇજા પામતા ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ આરોપીઓએ પથ્થર, કાચની બોટલ, લાકડીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો.

રવિવારે રામનવમી નિમિત્તે હિંમતનગરના મુસ્લિમ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ હતી. તે વખતે અંદાજે 300 માણસો સાથે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રાને આગળ વધતી અટકાવવા અને શોભાયાત્રા પર હુમલો કરીને ભય તથા અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા ગુનાહિત કાવતરુ રચવા બદલ અશફાક ખાન સામે કેસ નોંધાયો છે. ઇમામવાડા ચોક નજીકથી પસાર થતી શોભાયાત્રા પર પથ્થરમારો તથા સોડા બોટલોનો મારો કરાયો હતો. આ ઉપરાંત શોભાયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના કર્મચારીઓ તથા તથા પોલીસના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 600નું ટોળું હતું અને અશફાક તેનો આગેવાન હતો.

Your email address will not be published.