સ્ટેટ મોનીટરીંગ સેલમાં કડક ઓફિસર મુકાતા શહેરમાં છ પોલીસ સ્ટેશન પીઆઇ પોસ્ટીંગથી વંચિત

| Updated: April 30, 2022 3:27 pm

રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલમાં કડક ઓફિસરની નિમણૂંક થતાં જ તેની અસર પોલીસ બેડામાં અનેક જગ્યાએ થઇ રહી છે. અમદાવાદ શહેરમાં છ પોલીસ સ્ટેશન ખાલી હોવા છતાં પોસ્ટીંગ લેવા માટે કોઈ પીઆઇ તૈયાર નથી કે પછી પહેલા થતી હતી તેવી કોઇ વિશિષ્ટ પ્રવૃત્તિ થતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં પહેલા ક્રિમ પોલીસ સ્ટેશન મેળવવા માટે પીઆઇઓમાં હોડ લાગતી અને અનેક ચોક્કસ વચેટીયાઓ તેનો ફાયદો લેતા હતા. દારુ-જુગાર સહિતની અનેક ગેરકાયદે ધંધા ચાલી શકે તેવા વિસ્તારમાં પોસ્ટીંગની ગોઠવણ થતી અને તે માટેના વિધિ વિધાન એટલે કે ટેન્ડર ભરવા પણ કરવા તૈયાર થતાં હતા. પરંતુ હાલના સમયમાં આ વિધી વિધાન હવે પીઆઇઓને ખોટા લાગી રહ્યા છે અને તેઓ જોખમ લેવા માટે તૈયાર નથી. કેમકે, સરકારે છાપ સુધારવા અને દારુ જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃતિ બંધ કરવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલમાં એસીપી બાદ ડીસીપી નિર્લિપ્ત રાયની પોસ્ટીંગ કરતા જ અનેક સમીકરણો બદલાઇ ગયાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે વચેટીયા અને તેમના નજીકના અધિકારીને હજુ પણ કોઇક રીતે ગોઠવણ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હવે પીઆઇ કે વહિવટદારો જ ટેન્ડર ભરવા આનાકાની કરતા પોલીસ અધિકારી ચિંતામાં મુકાઇ ગયા છે.

રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં તાજેતરમાં પીઆઇની બદલીઓ થઇ હતી. તેમાં અમદાવાદ શહેરના આનંદનગર, અમરાઇવાડી, વટવા જીઆઇડીસી, વાસણા, કારંજ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાંચના એક પીઆઇની બદલી થઇ હતી. દરમિયાનમાં અગાઉ બદલીઓ થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં વિશીષ્ટ પ્રક્રિયા હેઠળ વચેટીયા મારફતે પીઆઇના મલાઇદાર જગ્યા પર પોસ્ટીંગ થઇ જતાં હોવાની ચર્ચાઓ થતી હતી. તેવામાં અમુક પોલીસ ઇન્સ્પેકટરો અને તેમના વહિવટદારો તેવા ટેન્ડર એટલે કે મોટા ખર્ચા કરી પોસ્ટીંગ લેવા માટે પડાપડી કરતા હતા પરંતુ તાજેતરમાં સરકારે કરેલી આઈપીએસ અધિકારીઓની બદલીઓએ આ ટેન્ડર પ્રક્રિયાને નિષ્ક્રિય બનાવી દીધી હોવાની ચર્ચા છે.

રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલમાં પહેલા જ એસીપી કે ટી કામરીયા અને કડક છાપ ધરાવનાર આઇપીએસ નિર્લિપ્ત રાયની નિણૂંક કરતા જાણે ફફડાટ વ્યાપી ગયો છે. અમુક જિલ્લા અને શહેરમાં તેમની બદલી બાદ ગેરકાયદે પ્રવૃતિ અટકી અને અમુક જગ્યાએ તો પીઆઇએ પોતાના માથે આવું જોખમ લેવા સ્પષ્ટ ના કહી દીધી હોવાની ચર્ચા છે. આમ એસએમસીના ફફડાટથી અમુક જિલ્લા પોલીસ પોતે જ દારુ અને જુગાર સહિતના કેસો કરવા સક્રિય બની ગઇ છે.

સરકારે કડક ઓફિસરની નિમણૂંક કરતા આઇપીએસ અધિકારીઓ સાથે ધરોબો ધરાવનાર ગાંધીનગર અને અમદાવાદના વચેટીયા જાણે ભૂગર્ભમાં જતા રહ્યાં છે. જેથી લાંબા સમયથી જુના પીઆઇઓને છુટા કરવામાં પણ આવતા નથી કેમકે તેમના સ્થાને કે અન્ય જગ્યા પર ટેન્ડર પ્રક્રિયા ન થતી હોવાથી પોસ્ટીંગમાં વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, એક ગુનેગારના સાગરીત રજનીશના ઇશારે પોલીસ અધિકારીઓના લાખોના ટેન્ડર ભરાતા હતા તેવામાં ઠાકુરના ત્યા તમામ પોલીસ અધિકારીઓને જવાની ફરજ પણ પડતી અને તેના ઇશારે કામ પણ કરવું પડતું હતુ.

બીજી તરફ ગાંધીનગરનો એક શખસ, ગુપ્તા બ્રધર્સ એક અધિકારીના સાઢુ હોવાનું જણાવી તેમણે પણ અનેક પોલીસ અધિકારીઓ પાસે લાખોના ટેન્ડર લીધા હતા તેથી ય વિશેષ તેમણે અનેક પોલીસ અધિકારીઓના કામ પણ કર્યા છે અને અમુક અધિકારીઓના ન કર્યા છતાં તેમના પૈસા પરત ન આપ્યા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી ઉઠવા પામી છે પરંતુ ફરિયાદ જ્યા જાય છે તે પોલીસ અધિકારીના તેમના નીચે દબાયેલા હોવાની ચર્ચા છે.

મહિલાઓની મનની મનમાં રહી ગઇ, પોલીસ સ્ટેશન મહિલા પણ ચલાવે છે પુરુષ પીઆઇ

મહિલાઓ પોતાની આપવીતી ખુલ્લાં મને કોઈપણ હિચકીચાટ વગર સરળતાથી કહી શકે અને તેમની સમસ્યાઓમાં સમાધાન મળે અને ખાસ તો મહિલાઓ મહિલાઓને સમજી શકે તે માટે રાજ્ય સરકારે અમદાવાદમાં બે મહિલા પોલીસ સ્ટેશન બનાવ્યા છે. તેમ છતાં તેમા લાંબા સમયથી મહિલા પીઆઇ મુકવામાં ન આવતી હોવાનું સ્પષ્ટ થાય છે. જેથી ભોગ બનનારી મહિલાઓ પોતાની આપ વીતી કહી શકતી ન હોવાનું એટલે કે તેમની મનની વાત મનમાં જ રહી જતી હોવાની ચર્ચા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મહિલા પીઆઇ અમદાવાદ શહેરમાં હોવા છતાં તેમને અન્ય પોલીસ સ્ટેશનોમાં મુકવામાં આવતી હોય છે અને મહિલા પોલીસ સ્ટેશનમાં પુરુષ પીઆઇને મુકવામાં કેમ મુકવામાં આવી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં મહિલાઓને ન્યાય કેવી રીતે મળશે તે પણ ચર્ચાઇ રહ્યું છે. એક તરફ સરકાર પોલીસમાં 30 ટકા મહિલાઓની ભરતી કરી રહી છે ત્યારે શહેરમાં મહિલાઓ હોવા છતાં મહિલાઓની સંવેદનશિલ વાત સમજવા કે સાંભળવા તેમના પોસ્ટીંગ થતાં નથી તે નવાઈ પમાડે તેમ છે.

મુખ્યમંત્રીના ગઢમાં જ ગાબડું : સોલા પોલીસ સ્ટેશનમાં જ પી. આઈ.ની જગ્યા ખાલી

શહેરના સોલા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રહે છે. તેમ છતાં આ વિસ્તારમાં અગાઉના પીઆઇની બદલી કરી દેવામાં આવી છે જ્યારે તેમના સ્થાને હજુ સુધી કોઇ પોસ્ટીંગ કરવામાં આવ્યું નથી. સોલામાં પોલીસ સ્ટેશનની હદમાં કેન્દ્રીય મંત્રી પણ રહે છે અને સતત વીવીઆઇપી મુવમેન્ટ રહે છે તેમ છતાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇની જગ્યા કોના ઇશારે ખાલી રાખવામાં આવી છે. ઘાટલોડિયા પીઆઇ પાસે સોલા પોલીસ સ્ટેશનનો ચાર્જ હોવાંનું બહાર આવ્યું છે. તેવામાં મુખ્યમંત્રીના આદેશથી જ પીઆઇ બદલાયા હોવાની ચર્ચા છે તેમ છતાં નવા પીઆઇનું પોસ્ટીંગ ન થતાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે ત્યા પણ એક અધિકારી ટેન્ડરની રાહ જોઇ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

કોન્સ્ટેબલોની સામુહિક બદલી પાંડેના ઇશારે અટકી હોવાની ચર્ચા

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોન્સ્ટેબલોની સામુહિક બદલીઓ જાણે અટકી ગઇ છે. ચોક્કસ નામ જોગ બદલી કરવામાં આવે છે તે પણ ચોક્કસ પોલીસ કર્મીઓની થતી હોવાની ચર્ચા છે. મહત્વની વાત તો એ છે કે, બદલીનો સમયગાળો અનેક પોલીસકર્મીઓને જે તે પોલીસ સ્ટેશન હદમાં થઇ ગયો છે તેમ છતાં તેમની બદલી કોના ઇશારે અટકી ગઇ છે તે પણ પોલીસ સમજી શકતી નથી. તેવામાં ચોક્કસ પોલીસ કર્મીઓની બદલીઓ પાંડે નામથી થતી હોવાની ચર્ચા છે. તેવામાં પાંડે નામથી તો અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં મહિને 30 હજાર લેવામાં આવતા હતા અને તેમાં પણ અમદાવાદ શહેરના આ કાર્યવાહી બે વર્ષ સુધી એક સોશિયલ મિડીયાના શોખીન અધિકારીની રહેમનજર હેઠળ ચાલી હોવાની ચર્ચા છે. તેમ છતાં આ રકમનો ભાગ ગાંધીનગર સુધી ચોક્કસ અધિકારી સુધી જતો હોવાથી તે કિસ્સામાં પણ ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

Your email address will not be published.