રાજ્યની કચેરીઓમાં સ્માર્ટ કાર્ડનો જથ્થો ખૂટ્યોઃ બેકલોગ ફરીથી લાખે પહોંચ્યો

| Updated: May 21, 2022 4:29 pm

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓને આધુનિક બનાવવાના પ્રયાસો છતાં હજી પણ ધાંધિયા ચાલુ છે. સ્માર્ટ કાર્ડમાં ઉપયોગમાં લેવાતી ચિપ ખૂટી પડવાના લીધે રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીમાં સ્માર્ટ કાર્ડનો જથ્થો ખૂટી પડ્યો છે.

તેના લીધે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્માર્ટ કાર્ડની અછત હોવાની ફરિયાદ લોકો છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છે. આના લીધે રાજ્યમાં સ્માર્ટ કાર્ડ લાઇસન્સનો બેકલોગ એક લાખ પર પહોંચ્યો છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે, પરંતુ પાકા લાઇસન્સ મળતા નથી. તેના લીધે લાઇસન્સધારકો હાલાકી અનુભવી રહ્યા છે. તેના લીધે તમામ વર્ગ ઇચ્છી રહ્યો છે કે સ્માર્ટ કાર્ડ લાઇસન્સની સમસ્યા હલ થાય. સ્માર્ટ કાર્ડના જથ્થાના અભાવે સ્માર્ટ કાર્ડ લાઇસન્સની પ્રક્રિયા અટકી પડતા રાજ્યમાં 80 હજારનો બેકલોગ થયો છે. તેમા એકલા અમદાવાદનો બેકલોગ જ વીસ હજાર થઈ ગયો હોવાનું કહેવાય છે.

આ રીતે છ મહિના પહેલા પણ સ્માર્ટકાર્ડનો જથ્થો ખૂટી પડતા રાજ્યમાં સ્માર્ટ કાર્ડ અટકી પડ્યા હતા. તેના લીધે બેકલોગ બે લાખ લોકો પર પહોંચી ગયો હતો. આના પછી વાહન વ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતાં લોકોને ઝડપથી પાકા લાઇસન્સ મળવા માંડ્યા હતા.

આ અંગે આરટીઓ વિભાગના અધિકારીને સવાલ કરવામાં આવતા તેણે જવાબ ટાળી દીધો હતો. જો કે આરટીઓના બીજા અધિકારીએ આ તકલીફ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવી હૈયાધારણ આપી હતી. તેણે કહ્યું હતું કે લોકો ઓનલાઇન સિસ્ટમ્સનો ઉપયોગ કરે અને મોબાઇલમાં લાઇસન્સ રાખીને તેનો ઉપયોગ કરે. આરટીઓ અધિકારીઓએ પણ અંદર ખાને કબૂલાત કરી છે કે ચિપના લીધે સ્માર્ટ કાર્ડનો જથ્થો ખૂટી પડતા સ્માર્ટ કાર્ડ મેળવવા હાલાકી ભોગવી પડી રહી છે.

Your email address will not be published.