સ્માર્ટ વિલેજ યોજના: ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 18 હજારમાંથી એકપણ ગામ સ્માર્ટ બની શક્યું નથી

| Updated: June 8, 2022 3:00 pm

ગુજરાત રાજ્યના  ગામોમાં   આધુનિક સુવિધાઓ ઉભી કરવા અને ગામડાંઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવણ સર્જાય રહે  તે હેતુથી વર્ષ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સ્માર્ટ વિલેજ યોજના શરૂ કરી હતી.આ યોજના મુજબ નક્કી કરેલ માપદંડો પર ખરા ઊતરનાર ગ્રામપંચાયતોને સ્માર્ટ વિલેજ જાહેર કરવાના હતા.

100% રસીકરણ, એક પણ બાળક કુપોષિત હોવું જોઇએ નહીં, 100% જન્મ- મરણ નોંધણી, 100% સંસ્થાકીય પ્રસૂતિ, સગર્ભાઓનું 100% રસીકરણ, ધોરણ-8 સુધી 100% નામાંકન, મિશન વિદ્યામાં 75%થી વધારે પરિણામ અને  તમામ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં આવરી લેવા જેવા માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા, અને તેના અનુસાર 40 લાખથી 1 કરોડ સુધીનો પુરસ્કાર આપવાનો હતો.

જો કે, આ યોજના હેઠળ પાછલા  6 વર્ષમાં એક પણ ગામ સ્માર્ટ બની શક્યું નથી. આ યોજના હેઠળ નક્કી કરેલા પુરસ્કાર માટે સરકાર દર વર્ષે બજેટમાં જોગવાઇ પણ કરે છે પરંતુ હકીકત એ છે કે 18 હજાર ગામો પૈકી ગુજરાતનું એકપણ ગામ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. 

સૂત્રોનું કહેવું છે કે, સરકારે નિયત કરેલા માપદંડો મુજબ કોઇ ગામ ખરૂ ઉતર્યું નહીં હોવાથી સ્માર્ટ વિલેજ તરીકે કોઇ ગામની પસંદગી થઇ શકી નથી. બીજીતરફ સૂત્રોએ કહ્યું કે, સરકાર દ્વારા પસંદગીના ધોરણો ખુબ ઉંચા રખાયા હતા અને તેમાં વારંવાર ફેરફારો પણ કરવામાં આવ્યા હતા જેના કારણે પંચાયતો લક્ષ્યાંક પાર પાડી શકતી નથી.

આ યોજનાની સમીક્ષા દરમિયાન પસંદગીના ધોરણોમાં કેટલીક મર્યાદા હોવાથી ગામડાં તે માપદંડો પૂર્ણ કરી શકતા નહીં હોવાનું ધ્યાને આવતા ગાઇડલાઇન સુધારીને નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેથી વધુ ગામો સ્માર્ટ બની શકે. જો કે, નવા માપદંડો સાથે  પુરસ્કારની રકમ પણ ઘટી ગઈ છે, જે એક કરોડથી ઘટાડીને માત્ર 5 લાખ કરી દીધી છે. 

ગામ વાટીકા- ગાર્ડન, ફરજિયાત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, દરેક ઘરમાં પાણીનું નળ કનેક્શન, પંચાયત વેરા વસૂલાત, રસ્તા ઉપર ઉકરડા ન હોય, નિયમિત સફાઇ, સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામ પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ, ઓપન ડેફિકેશન ફ્રી વિલેજ, લાઇટ બિલ ભરવાની નિયમિતતા, ગામમાં ગટર, ગામતળના પાકા રસ્તા આ તમામ નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે અને હવે આજ માપદંડો મુજબ સ્માર્ટ વિલેજની પસંદગી કરવામાં આવશે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં તંત્રની લાલ આંખ, વીજચોરીમાં આ શહેર સૌથી મોખરે

Your email address will not be published.