અમદાવાદમાં નશો કરી ફરતા લોકોને પકડવા માટે SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે.
અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે ગઇકાલે બાતમીના આધારે સારંગપુર સર્કલ નજીકથી એક શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કાલુપુર પોલીસે 23 વર્ષીય ગણપત ઝાલારામ બિશ્નોઇ નામના શખ્સની 83 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનનો રહેવાસી ગણપત ઝાલારામ બિશ્નોઇ કે જે એક મોટીવેશનલ સ્પીકર છે પરંતુ વધુ પૈસાદાર બનાવાના ચક્કરમાં તે ‘ડ્રગ્સ કેરિયર બોય’ તરીકે પણ કામ કરે છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ આરોપી બાડમેરથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને જામનગરના મૈંયુદીનને રાજકોટમાં પહોંચાડવાનો હતો. જો કે એ પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
મહત્વનું છે કે, ડ્રગ્સની હેરાફેરી માટે આરોપી ગણપતને એક ટ્રીપના 6 હજાર રૂપિયા મળતા હતા..અને આરોપીની બીજી ટ્રીપ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ડ્રગ્સ હેરાફેરીમાં રાજસ્થાનના પેડલરો ગુજરાત માં ડ્રગ્સ મોકલતા હોવાનું ખુલ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતના ડ્રગ્સ નેટવર્કને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના ઘણા વિસ્તારોમાં હજી પણ બેફામ નશાનો કરોબાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર અને શાહપુર વિસ્તારનો સમાવેશ થાય છે.