90 વર્ષ પહેલા ભાવનગર રાજ્ય માટે આ ખાસ માચીસ બનાવવામાં આવતી હતી

| Updated: May 17, 2022 6:37 pm

નેવું વર્ષ પહેલા ભાવનગરમાં એક માચિસના બોક્સનું વેચાણ થતું હતું. તે બોક્ષ ઉપર ભાવનગર સેફટી માચિસ એવા લખાણ સાથે ‘મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા’ એવી સંસ્કૃત ઉક્તિ પણ લખાતી હતી. ભાવનગર રાજ્ય માટે આ ખાસ બનાવામાં આવતી હતી.

દિવાસળીની શોધ 1826 માં જોહન વૉકર નામના અંગ્રેજ કેમિસ્ટે કરી હતી અને ટૂંક સમયમાં જ તે જગતભરમાં ફેલાઈ ગઈ હતી. હિંદુસ્તાનમાં તેનો મોડો પ્રવેશ થયેલો પણ જોત જોતામાં કુટીર ઉદ્યોગ તરીકે તે ફેલાઈ ગયો હતો. 1923 માં સ્વીડીશ કંપની ‘વિમકો’ નામથી અમદાવાદમાં મેચ બોક્ષ બનાવાનું શરૂ કર્યું અને સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું વેચાણ થતું હતું. આ કંપનીની ખાસિયત હતી કે રજવાડાના નામ સાથે તેઓ જે તે ઈલાકા માટે માચિસ બનાવી આપતા હતા.

ભાવનગરના બંદર રોડ ઉપર વિમકો કંપની કાં તો મેચ બોક્ષનું ઉત્પાદન કરતી અથવા તેનો ડેપો હતો એટલી અસંદિગ્ધ વિગતો ઉપલબ્ધ થઈ શકી છે. ખારગેટ પાસેના જગદીશ મંદીરના ખાંચામાં આવેલ ઠક્કર પોપટ દામજી મેચ બોક્ષના જથ્થાબંધ વિક્રેતા અને એજંટ હતા એવો ‘ગોહિલવાડની અસ્મિતા’ નામના સ્મરણિકા અંકમાં ઉલ્લેખ હતો.

બીજી રસપ્રદ વિગત એ છે કે, આ મેચ બોક્ષ ઉપર રંગીન છપકામમાં તેના લેબલ ચોંટાડવામાં આવતા જેના પર ભગવાનના ફોટા, તે જમાનાના કલાકારો ઉમરાવજાન, ખુરશીદ અને ગોહરના ફોટા રહેતા હતા. આ છાપકામ ઑસ્ટ્રિઆ,સ્વીડન,ઝેકોસ્લોવેકિયા અને જાપાનમાં થતું હતું. આજે તો ‘કપાસ’ અને ‘હોમલાઈટ’ મેચ બોક્ષનું ચલણ છે.

( અહેવાલઃ દધિચી મહેતા, ભાવનગર )

Your email address will not be published.