આણંદ બાદ ખેડામાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો, ગામમાં ચર્ચાનું ચકડોળ ઊભું થયું

| Updated: May 14, 2022 5:29 pm

આણંદ જિલ્લામાં ત્રણ સ્થળો પર ગોળા જેવા પર્દાથો આકાશમાંથી પડતા લોકોમાં ભય સાથે કુતુહલ પણ જોવા મળ્યો છે. જો કે, તંત્ર દ્વારા ઈસરોની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ગોળા જેવો પર્દાથ સેટેલાઈટમાંથી છુટો પડેલો એક ભાગ હોઈ શકે છે.

ચરોતર પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી ગોળો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ગોળાઓ પડવાના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ ખેડામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ભૂમેલ ગામની સીમમાં આવેલા એક પોલ્ટ્રી ફામ પાસે આવેલ ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગત મોડી રાત્રે એક ગોળાકાર જેવો પદાર્થ પડ્યો હતો. આ પર્દાથ પડતા જોરદાર અવાજ પણ થયો હતો જેથી આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યાર બાદ વહેલી સવારે આ તમામ ઘટનાની વાત ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને કરી હતી જેથી સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી અને બીજી બાજુ આ અંગેની જાણ એફએસએલને કરી હતી.

ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકૂવા અને દાગજીપુરમાંથી ગુરુવારના બપોરે અવકાશમાંથી પડેલા ગોળાએ જિલ્લામાં કુતૂહલ અને ચર્ચાનું ચકડોળ ઊભું કર્યું છે. અચાનક ઉપરાછાપરી પૃથ્વી પર પડેલા આ અવકાશી ઉપકરણ શું છે ? અને એ કેવા ઉપગ્રહોનો ભંગાર છે કે પછી કોઈ વિદેશી દુશ્મનોની ચાલ આ વિશે નુકકડ ચર્ચાઓએ જિલ્લામાં અફવાઓનું બજાર ગરમ કર્યું છે. આ પરિસ્થિતિની ગંભીરતા સમજતા કલેકટર અને પોલીસ વિભાગે સંયુક્ત કવાયત હાથ ધરી છે. આ અંગે આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ જાહેર જનતાને આ અંગેની કોઈ ખોટી માહિતી કે અફવાઓ અને ગભરામણની વાતોથી અંતર રાખવા અપીલ કરી છે.

Your email address will not be published.