આપખુદ શાસકો પોતાની સામેના અસંતોષને દબાવી દેવા અને મહત્ત્વના લોકો પર પણ જાસૂસી કરવા માટે પેગસિસ અને કેન્ડીરુ જેવી ઇઝરાયલી કંપનીઓના સોફ્ટવેરનો છૂટથી ઉપયોગ કરતી હોય છે.
પરંતુ નવાઈની વાત એ છે કે લોકશાહી દેશોની સરકારો પણ આ કંપનીઓના સ્પાયવેરને ખરીદીને તેના દ્વારા અસંતોષને દબાવે છે તથા હરીફો પર નજર રાખે છે. એટલું જ નહીં, તે સરકારની અંદર રહેલા લોકોની પણ જાસૂસી કરે છે.
ભારતની અગ્રણી ડિજિટલ મીડિયા ન્યૂઝ કંપની ‘ધ વાયર’ ટૂંક સમયમાં પેગસિસ અને કેન્ડિરુના સ્પાયવેર દ્વારા થતી આ જાસૂસીનો ભાંડો ફોડવાની છે. ચાર ખંડોના 20 દેશોમાં આ પ્રકારની જાસૂસી થઈ છે. તેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં 1488થી વધુ લોકો પર નજર રાખવા, તેમને ચૂપ કરી દેવા અને હાલની સરકાર સામે વિરોધનો કોઈ સૂર ઉઠી ન શકે તે માટે પેગસિસના સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો. ‘ધ વાયર’ આ અહેવાલ ભારતમાં પ્રકાશિત કરી રહ્યું છે, જ્યારે વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ અહેવાલ યુએસએમાં અને ગાર્ડિયન દ્વારા યુકેમાં પ્રકાશિત થશે. મધ્ય એશિયાના બે અખબારો પણ આ ભાંડાફોડ છાપવાના છે.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ પ્રકારની જાસૂસી એ નવી વાત નથી. ગુજરાતમાં લોકોના ફોન સર્વેલન્સ પર મુકાયા હોય તેવી ફરિયાદો 2007માં પણ થઈ હતી.
હવે એક મોટો રહસ્યસ્ફોટ થવાનો છે જે મુજબ 20 દેશોમાં ઇઝરાયલી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારે પોતાને પસંદ ન હોય તેવા લોકો તથા પોતાના જ લોકોની જાસૂસી કરી છે.
કેટલાક રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, અસંતુષ્ટો, પત્રકારો અને વકીલોની આ પ્રકારે જાસૂસી થઈ છે. એટલું જ નહીં આરએસએસના અમુક નેતાઓના ફોન પર પણ નજર રાખવામાં આવતી હતી.
વાઈબ્સ ઓફ ઇન્ડિયા ખાતરીપૂર્વક જણાવી શકે કે ગુજરાતના અથવા ગુજરાત સાથે કનેક્શન હોય તેવા ચાર લોકો આ યાદીમાં સામેલ છે જેમની જાસૂસી કરવામાં આવી છે. એક સૂત્રે વાઈબ્સ ઓફ ઇન્ડિયાને 28 લોકોના નામ આપ્યા છે. તેમાં બે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ત્રણ ઉદ્યોગપતિઓ, આરએસએસના આઠ કાર્યકરો, ઓછામાં ઓછા ત્રણ કેબિનેટ મંત્રીઓ, સીબીઆઈ, ઇડીના ટોચના અધિકારીઓ, પત્રકારો, વકીલો, દલિત ચળવળકર્તાઓ સામેલ છે. વીઓઆઈ આ સ્ટોરી કરનારા કન્સોર્ટિયમ (જૂથ)નો હિસ્સો ન હોવાથી તેમના નામ પ્રકાશિત કરતું નથી.
સૂત્રોએ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલે સવારે શરૂ થાય છે. પરંતુ 11 વાગ્યા પહેલા ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આ કૌભાંડ પ્રકાશિત કરશે અને સરકારોને ખુલ્લી પાડશે.
જોકે, આ સ્ટોરી માત્ર લોકોના નામની યાદી વિશે નથી.
વાત એ છે કે નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં દાવો કર્યો છે કે “ભારતમાં કોઈ પણ બિનસત્તાવાર સ્પાયવેરની ખરીદી કે ઉપયોગ કરવામાં આવ્યો નથી.”
રસપ્રદ વાત એ છે કે પેગસિસના જાસૂસી સોફ્ટવેર ખરીદાયા છે તે મુદ્દો 28 નવેમ્બર, 2019માં સંસદમાં ઉઠ્યો હતો. તે સમયે તત્કાલિન માહિતી અને ટેક્નોલોજીમંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટપણે ખાતરી આપી હતી કે પ્રસ્થાપિત પ્રક્રિયાનો ક્યાંય ભંગ થશે તો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ‘મારી જાણ મુજબ કોઈ બિનસત્તાવાર સૂચના અપાઈ નથી.’
હવે પેગસિસે જ એ બાબતની પુષ્ટિ કરી છે કે ભારત તેનું ક્લાયન્ટ છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મીડિયા એવા 1488થી વધુ લોકોની યાદી પ્રકાશિત કરવાનું છે જેમના ફોન વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવ્યા છે. ત્યારે આ પ્રશ્નો ઉદભવે છેઃ
1. પેગસિસ ખરીદવાનો નિર્ણય કોણે લીધો અને શા માટે?
2. તેના માટે ચુકવણી કોણે કરી?
3. ચુકવણીની મંજૂરી કોણે આપી?
સાદી ગણતરી કરવામાં આવે તો 1500 લોકોની જાસૂસી કરવા માટે પેગસિસ સોફ્ટવેર ખરીદવાનો ખર્ચ લગભગ 700થી 800 કરોડ રૂપિયા જેટલો આવે. તેમાં પણ કોઈ કટકી આપવામાં આવી હોય તો રકમ વધી જાય.
આ યાદી બહાર પડશે ત્યારે સામસામે આરોપો અને પ્રત્યારોપો દ્વારા ભારે ધડાકા થશે. અપેક્ષા મુજબ જ ભાજપે પોતાની સામે આરોપો મુકવામાં આવે તે પહેલા જ પોતાના બચાવ માટે તૈયારી શરૂ કરી દીધી હતી.