શ્રીલંકાએ બધા જ પ્રકારના વિદેશી ઋણમાં નાદારી નોંધાવી

| Updated: April 12, 2022 3:43 pm

કોલંબોઃ શ્રીલંકાએ તેના 51 અબજ ડોલરના બધા જ પ્રકારના બાહ્ય ઋણમાં નાદારી નોંધાવી છે અને હવે તે ઘેરી આર્થિક કટોકટીમાં સપડાઈ ગયું છે. તેના લીધે સરકાર પર રાજીનામુ આપવા ચોતરફ દેખાવો થઈ રહ્યા છે.

અનાજ અને ઇંધણની અછતની સાથે સ્થાનિક સ્તરે વીજળી પણ વેરણ થઈ ગઈ છે. ચોવીસ કલાકમાંથી 12થી 13 કલાક વીજળી હોતી નથી. શ્રીલંકા 1948માં સ્વતંત્રતા મેળવ્યા પછી સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

લોકોનો આક્રોશ એટલો બધો વધી ગયો છે કે તેઓ સરકારી પ્રધાનોના નિવાસ્થાનોને ઘેરો નાખવા માંડ્યા છે. સુરક્ષા દળોએ ટીયરગેસ અને રબરની બુલેટ વડે આ ટોળા વિખેરવા પડ્યા છે. શ્રીલંકાના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ 51 અબજ ડોલરના બધા જ બાહ્ય ઋણના મોરચે નાદારી નોંધાવે છે. તેમા વિદેશી સરકારોની લોનનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ દ્વારા તેને બેઇલ આઉટ કરવામાં આવે તે પહેલા જ તેણે નાદારી નોંધાવી છે.

સરકાર જાહેર નાણાની સ્થિતિ વણસતી અટકાવવા આ પ્રકારનું કટોકટીભર્યું પગલું લીધું છે. લેણદારો કોઈપણ પ્રકારની મૂડીની ચૂકવણીને કેપિટલાઇઝ કરવા મુક્ત છે. તેઓ શ્રીલંકાના રૂપિયામાં પણ ચૂકવણી કરી શકે છે, એમ મંત્રાલયે ઉમેર્યુ હતું.

કોરોના વાઇરસે તેની ટુરિઝમ અને રેમિટન્સીસની આવકમાં મોટું ગાબડું પાડતા શ્રીલંકાની આર્થિક કટોકટીનો પ્રારંભ આવશ્યક ચીજવસ્તુઓની આયાત ન કરી શકવા સાથે થયો હતો. સરકારે વિદેશી ચલણની અનામતો જાળવી રાખવા માટે આયાત પર વ્યાપક પાયા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર આ વિદેશી ચલણની અનામતોનો ઉપયોગ ઋણ ચૂકવઈ માટે કરવા માંગતી હતી, પરંતુ તે તેવું કરી શકી નહી.

સરકારના વર્ષોના મિસમેનેજમેન્ટ અને બિનજરૂરી કરરાહતના લીધે પરિસ્થિતિ વધુ વણસી હતી. સરકાર સામે લોકોને જબરજસ્ત આક્રોશ છે અને લાંબી-લાંબી કતારો લાગી છે. દિવસ વીતવાની સાથે શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કુદરતી ગેસની દરરોજે અછત વર્તાઈ રહી છે.

રાજધાની કોલંબામાં હજારો લોકો પ્રમુખ ગોટાબયા રાજપક્ષની ઓફિસની બહાર ધરણા લગાવીને બેઠા છે. શ્રીલંકામાં સળંગ ચાર દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓે ગયા વર્ષે શ્રીલંકાને જ ડાઉનગ્રેડ કર્યુ હતું. તેના લીધે તે પછી વિદેશી બજારમાંથી નાણા લેવા સમર્થ રહ્યું ન હતું. આના લીધે તેના માટે તેની પોતાની ખાદ્ય અને ઇંધણની જરૂરિયાત પૂરી કરવું અત્યંત અઘરુ થઈ પડ્યું હતું.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે બે દેશો શ્રીલંકાના મુખ્ય લેણદાર છે, ચીન અને જાપાન. બંનેનો શ્રીલંકાના દેવામાં દસ-દસ ટકા હિસ્સો છે. શ્રીલંકાએ તાજેતરમાં ભારત અને ચીન પાસેથી રાહત માંગી હતી પણ તેના બદલે બંને દેશે તેને વધારે ક્રેડિટલાઇન પૂરી પાડી હતી અને તેમની પાસેથી કોમોડિટી ખરીદવાની પણ ફરજ પાડી હતી.

Your email address will not be published.