અમદાવાદ: પારસી સમુદાયને અગિયારી માટે સબસિડી વાળા દર પર પ્લોટ આપવા રાજ્ય સરકારનો ઇનકાર

| Updated: January 8, 2022 11:47 am

સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના પ્લોટ પર પારસી સમુદાય દ્વારા અગિયારી બનાવવાની દરખાસ્તમાં અવરોધ ઊભા થયા છે. હવે રાજ્ય સરકાર દ્વારા સબસિડી વાળા દરે પ્લોટ આપવાનો ઇનકાર કરાયો છે અને તેની બજાર કિંમત મુજબ પ્લોટ માટે રૂ 67 કરોડની માંગણી કરી છે.

પારસી સમુદાયની ખામાસા વિસ્તારના બુખારા મોહલ્લા એક અગિયારી છે જે 135 વર્ષ જૂની છે. આજની તારીખમાં મોટાભાગના પારસી પરિવારો હવે શહેરના પશ્ચિમ ભાગોમાં શિફ્ટ થઈ ગયા છે. જેથી પારસી પંચાયતે આશ્રમ રોડ પર તેના સેનેટોરિયમ પાસે નવી અગિયારી બનાવવાનું નક્કી કર્યું અને પ્લોટની માંગણી કરી. આ પ્લોટ રિવરફ્રન્ટનો ભાગ છે અને તેની માલિકી સરકારની છે.

2015માં, પંચાયતે આશ્રમ રોડ પર કંદોઈ ભોગીલાલ મીઠાઈની દુકાનની પાછળ ટીપી સ્કીમ નંબર 3ના પ્લોટ નંબર FP 125 માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો હતો. એએમસીની સ્થાયી સમિતિએ કોઈપણ વાંધો લીધા વિના દરખાસ્તને મંજૂરી આપી હતી. ત્યારબાદ પારસી પંચાયતે આગળની કાર્યવાહી માટે કલેક્ટર કચેરીનો સંપર્ક કર્યો. ત્યારબાદ અમદાવાદ કલેક્ટર કચેરીની જમીન આકારણી સમિતિ દ્વારા પ્લોટ માટેની દરખાસ્તની સમીક્ષા કરવામાં આવી હતી. જેણે પ્રતિ ચોરસ મીટર રૂ 2.67 લાખની મૂળ કિંમત નક્કી કરી હતી. જેની કુલ કિંમત 67 કરોડ રૂપિયા ગણવામાં આવી હતી. પ્લોટ માટેની આ મૂળ કિંમત અમદાવાદમાં અત્યાર સુધીના કોઈપણ સરકારી પ્લોટ માટે સૌથી વધુ છે.

જો કે, પંચાયતે આટલી મોટી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો છે અને તેને સબસીડીના દરે આપવાની માંગણી કરી છે. પારસી પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે રૂ 67 કરોડ ચૂકવવા તે અમારી શક્તિની બહાર છે. અમે અગિયારી અને ચેરિટેબલ હોસ્પિટલ બનાવવા માંગીએ છીએ અને સરકારે અમને સબસિડીના દરે પ્લોટ આપવો જોઈએ. અમને આશા છે કે અમારી રજૂઆતનું પરિણામ સકારાત્મક આવશે.

એએમસી અને જમીનની કિંમત:

એએમસીએ સાબરમતી રિવરફ્રન્ટ પરની 500 એકરથી વધુ જમીન પર ફરીથી દાવો કર્યો છે. જેમાં 14 ટકા રિક્લેઈમ જમીનમાંથી 49 પ્લોટ વેચવાના છે. પાંચ વર્ષ પહેલા રાજ્ય સરકારે બે પ્લોટની બેઝ પ્રાઈસ નક્કી કરી હતી, પરંતુ ઉંચી કિંમતને કારણે તેને કોઈ લેનાર મળ્યા નથી. આ બાદ એએમસીએ કિંમત નક્કી કરવા માટે એક એજન્સીની નિમણૂક કરી. એજન્સીએ 49 પ્લોટના વેચાણ માટે ઈઓઆઈ જારી કર્યો હતો અને વિવિધ કંપનીઓ પાસેથી દરખાસ્તો માગી હતી. દરખાસ્તો દાખલ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આધાર કિંમત નક્કી કરવામાં આવી નથી.

જમીનની ઓનલાઈન હરાજી:

જૂન 2021માં, એએમસીએ સિંધુ ભવન રોડ પરના પ્લોટના વેચાણ માટે ઓનલાઈન હરાજી દ્વારા પરવાનગી આપી હતી. પ્લોટની કિંમત રૂ 1 લાખ 88 હજાર પ્રતિ ચોરસ મીટરના દરે રૂ 151.76 કરોડ નક્કી કરવામાં આવી હતી જે ઓનલાઈન હરાજીમાં 1,88,300 રૂપિયામાં વેચાયો હતો. જોકે બાદમાં રાજ્ય સરકારે આ આદેશ રદ કર્યો હતો.

Your email address will not be published.