રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ફરીથી વિવાદમાંઃ બુક સેલર્સ એસોસિયેશનનો કરોડોના કૌભાંડના આરોપ

| Updated: May 13, 2022 1:38 pm

અમદાવાદઃ વારંવાર વિવાદમાં રહેતું રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ફરીથી વિવાદમાં આવ્યું છે. આ વખતે આ વિવાદ પેપર ખરીદીને લઈને થયો છે. ગુજરાત બૂકસેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખે પાઠ્યપુસ્તક મંડળના નિયામક સામે પેપર ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ મૂક્યો છે. જો આ મામલે તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 260 કરોડના ખર્ચે પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદીને લઈ વિવાદ સર્જાયો છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એકસાથે 30000 ટન પેપરની ખરીદી કરાતા કરોડોના કૌભાંડનો આરોપ મૂકાયો છે. આ આરોપ ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે લગાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે એક કિલો પેપરની ખરીદી ટેન્ડરના માધ્યમથી 88 રૂપિયામાં કરાતા કંઇક ખોટું થયાનું લાગી રહ્યુ છે. ગયા વર્ષે 58 રૂપિયામાં ખરીદાયેલો કાગળ આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 88 રૂપિયામાં ખરીદાયો છે. આમ ગત વર્ષ કરતાં પેપર ખરીદીમાં 22 ટકા ભાવવધારા સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે.

નિયમ મુજબ 75 દિવમસાં 12,000 ટન કાગળની ખરીદી કરવાનો નિયમ છે, જેને નેવે મૂકીને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક સાથે 30,000 ટન પેપરની ખરીદી કરાઈ છે. નીચી ગુણવત્તાના લીધે કાગળનો ભાવ ઊંચો આપીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકાયો છે. આ અંગે પાઠ્યપુસ્તક મંડળના નિયમક એચ એન ચાવડાનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતા પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. મહત્વની એ છે કે આ અંગે જો યોજાય તપાસ થાય તો આ અંગે વધુ તથ્ય બહાર આવી શકે છે.

નરેશ શાહનું કહેવું છે કે પાઠ્યપ્સુતક મંડળના નિયામક જુલાઈમાં નિવૃત્ત થઈ રહ્યા છે, આ પહેલા જ 260 કરોડ રૂપિયાના કાગળની ખરીદીને મોટોભ્રષ્ટાચાર કર્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સી ગ્રેડ પેપર મિલ 68 રૂપિયાના ભાવે ખરીદ્યો છે, જ્યારે બે મહિના બાદ 20 રૂપિયા વધુ એટલે કે 88 રૂપિયાના ભાવે ખરીદાયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. તેમા રીતસરની કૌભાંડની ગંધ આવે છે.

Your email address will not be published.