સ્ટોક માર્કેટ અને ઓમિક્રોન: રોકાણકારોએ હજુ ગભરાવાની જરૂર નથી

| Updated: January 7, 2022 3:35 pm

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે અનેક રાજ્યોએ નિયંત્રણો મુક્યા છે. જોકે શેર બજાર પર તેની અસર થઇ નથી. કોરોનાનાં કેસોની સંખ્યા 28 ડિસેમ્બરના રોજ 10,000 થી ઓછી હતી તે વધીને ગયા  બુધવારે લગભગ 90,000  થઈ ગઈ છે, ત્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ 30 ડિસેમ્બરના રોજ 57,794 થી 2.400 પોઈન્ટ્સ અથવા 4.2 ટકાથી વધુ ઉછળીને બુધવારે 60,223 પર બંધ થયો હતો. જોકે, 14-15 ડિસેમ્બરના રોજ યોજાયેલી યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગની મિનિટોએ વધુ કડક મૉનેટરી પૉલિસી વલણનો સંકેત આપ્યા પછી ગુરુવારે એક ટકા કરેક્શન જોવા મળ્યું હતું.

છેલ્લા છ સપ્તાહમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બિગ બુલ રહ્યા છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે અને તાજેતરની તેજીમાં એફપીઆઇનો પણ ફાળો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના ડેટા દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વ તેની નાણાકીય નીતિને કડક બનાવશે તેવા સંકેતો વચ્ચે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં, એફપીઆઇએ 22 નવેમ્બર, 2021 થી ઉપાડેલા રૂ. 40,000 કરોડની સરખામણીમાં રૂ. 4,306 કરોડનું રોકાણ કર્યું છે.

બજારના જાણકારો માને છે કે ભારતીય રિઝર્વ બેંક હવે ભારતમાં વ્યાજદરમાં વધારો કરશે નહીં. તેનાથી માર્કેટ ઉચકાયું છે. રોકાણકારો પણ માને છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાતો હોવા છતાં તે ગંભીર નથી. તેથી રાજ્ય સરકારો આર્થિક પ્રવૃત્તિઓને નુકસાન પહોંચાડે તેવું કડક લોકડાઉન નહીં લાવે.

જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે, યુ.એસ.માં ઓમિક્રોનના દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ ત્યારે પણ ડાઉ જોન્સમાં નવી ઓલ-ટાઇમ હાઇ સપાટી જોવા મળી છે. તે વિરોધાભાસી લાગી શકે છે,પરંતુ તે બજારનો સ્પષ્ટ મેસેજ છે કે ઝડપથી ફેલાતો પણ ઓછો ગંભીર ઓમિક્રોન કોરોનાના અંતની શરૂઆત દર્શાવે છે. ઉપરાંત, મોટા ભાગના દેશોએ આર્થિક પ્રવૃત્તિને અસર કરતા નવા નિયંત્રણો મુક્યા નથી.

જોકે ગુરુવારે બન્યું તેમ, ફુગાવો, ઊંચા વ્યાજ દરો અને કોરોનાના વધતા કેસોને કારણે બજારોમાં અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે. ફેડ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી મીટિંગની મિનિટ્સ સૂચવે છે કે તે અપેક્ષા કરતાં વહેલા વ્યાજદરમાં વધારો કરી શકે છે એટલું જ નહીં પણ ફુગાવાને રોકવા માટે એસેટ હોલ્ડિંગ ઘટાડી શકે છે.

બુધવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 1.07 ટકા અને નાસ્ડેક 3.3 ટકા ઘટ્યો હતો. તેના પગલે, જાપાનમાં નિક્કી પણ ગુરુવારે 2.9 ટકા ઘટ્યો હતો અને સેન્સેક્સ એક ટકા (621 પોઈન્ટ) ઘટીને 59,601.84 પર બંધ થયો હતો.

એવી આશંકા છે કે યુએસમાં વ્યાજદરમાં વહેલો વધારો એપપીઆઇ ફંડના મોટા પ્રવાહ તરફ દોરી શકે છે, જે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં કરેક્શન તરફ જાય છે.

દરમિયાન જો રાજ્યો લોકડાઉન લાવે તો એવી સંભાવના છે કે રિકવર થઇ રહેલા અર્થતંત્રને ફટકો પડશે. આ ઉપરાંત, રોકાણકારો કોર્પોરેટ સેક્ટરના ત્રીજા ક્વાર્ટરની પરિણામોની પણ રાહ જોઈ રહ્યા છે. બજારના જાણકારો કહે છે કે આ તમામ પરિબળો આગામી બેથી ત્રણ સપ્તાહમાં બજારને અસ્થિર કરી શકે છે.

જોકે ગભરાઇ જવાના બદલે રોકાણકારોએ એ જોવું જોઇએ કે કોરોનાની બીજી લહેર વખતે બજાર કેવું હતું. 10 માર્ચથી 6 મે, 2021 દરમિયાન, જ્યારે ભારતમાં સક્રિય કેસ 20,000 થી વધીને 4.1 લાખથી વધુ થઈ ગયા હતા ત્યારે સેન્સેક્સ 51,279 થી ઘટીને 48,253 થયો હતો. જોકે, ત્યારપછીના એક મહિનામાં કેસોમાં ઘટાડો થતો સેન્સેક્સ ફરી ઉપર ગયો હતો અને જૂનમાં 52,000ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે વધુ ઉછળીને 62,000 ઓલ ટાઇમ હાઇ થયો હતો.

હવે બજાર સામે પ્રશ્ન એ છે કે ઓમિક્રોન અર્થતંત્રને ક્યાં સુધી અસર કરશે? તેની આર્થિક અસર બીજી લહેર કરતાં ઓછી થવાની ધારણા છે. ડીબીએસ બેન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે, આરબીઆઇની નીતિને સામાન્ય બનાવવાની ધીમી સ્પીડ વચ્ચે રાજકોષીય ખાધમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.

તમારે શું કરવું જોઈએ?

જો એફપીઆઇ ખરીદી કરતાં રહે અને સ્થાનિક સંસ્થાઓ બજારને ટેકો આપવાનું ચાલુ રાખે, તો મુખ્ય શેરો વધવાની શક્યતા છે. 2021ની જેમ રિટેલ રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડો બજારમાં વધુ નાણાં પંપ કરશે તેવી ધારણાં છે.આ ઉપરાંત  નાણાકીય વ્યવસ્થા હજુ પણ પ્રવાહિતાથી ભરેલી છે. ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ અને આરબીઆઇની આગામી પોલિસી બેઠકનો નિર્ણય બજારોને વધુ દિશા આપશે.

કોરોનાનાં કેસોમાં વધારાનાં કારણે બજારો આગામી બેથી ત્રણ અઠવાડિયામાં અસ્થિર રહી શકે છે,જોકે નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે રોકાણકારોએ ગભરાવાની જરુર નથી. ફંડ મેનેજરો કહે છે કે રોકાણકારોએ ઓછી જાણીતી કંપનીઓ, સ્મોલ કેપ અને નવી કંપનીઓમાં અયોગ્ય જોખમ ન લેવું જોઈએ. પરંતુ તેમણે તેમના પોર્ટફોલિયોને પૂરતા પ્રમાણમાં બેલેન્સ કરવો જોઇએ. એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે જો કોઈ રોકાણકારનું ઈક્વિટીમાં વધુ રોકાણ હોય તો અમુક ફંડને હાઈબ્રિડ ફંડમાં લઇ જવું જોઈએ. ઈક્વિટીમાં ઓછું રોકાણ હોય તેવા રોકાણકારો ઈક્વિટીમાં રોકાણ ચાલુ રાખી શકે છે અને ફ્લેક્સિકેપ ફંડ્સમાં રોકાણ કરવાનું વિચારી શકે છે.

Your email address will not be published.