શેરબજાર કડડભૂસઃ સેન્સેક્સમાં 1500 પોઇન્ટનું ગાબડું અને નિફ્ટીએ 16000ની સપાટી તોડી

| Updated: June 13, 2022 1:49 pm

વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેત મળવાના પગલે ભારતીય શેરબજારમાં ખૂલતા જ કડાકો બોલાયો છે. બીએસઇ સેન્સેક્સે 53000ની સપાટી ગુમાવી દીધી છે તો નિફ્ટીએ 16000ની સપાટી ગુમાવી દીધી છે. બીએસઇ સેન્સેક્સમાં 1,500થી વધુ પોઇન્ટનો કડાકો બોલ્યો છે તો નિફ્ટીમાં લગભગ 400 પોઇન્ટનો ઘટાડો બોલતા તેણે એક સમયે 15,800ની સપાટી તોડી નાખી હતી અને તેમા 15,795ની નીચલી સપાટી જોવા મળી હતી.

બીએસઇ સેન્સેક્સઅગાઉના બંધ 54,303.44 પોઇન્ટની તુલનાએ એક હજાર પોઇન્ટ નીચામાં 53,184.61 પર ખૂલ્યો હતો. તેણે 53,207ની હાઇ પછી 52,734..98 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. સોમવારના ટ્રેડિંગ સત્રમાં વૈશ્વિક બજારના ઘટાડાનું દબાણ છે. અમેરિકામાં મોંઘવારી વધીને લગભગ 40 વર્ષના ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. બીજી બાજુએ ઊંચે જતા વ્યાજદરોના લીધે અર્થતંત્રની ઝડપી વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે. આના લીધે અમેરિકામાં ટૂંક સમયમાં મંદીનો તબક્કો શરૂ થાય તેમ માનવામાં આવે છે. આ આશંકાએ જ ગયા શુક્રવારે અમેરિકન શેરબજારમાં ડાઉ જોન્સમાં કડાકો બોલાયો હતો અને તે શુક્રવારે 880 પોઇન્ટ કે 2.7 ટકા ઘટી 31392.79 પોઇન્ટ થયો હતો. હવે તે આગામી સમયમાં 31 હજારની સપાટીથી નીચે ઉતરે તેમ મનાય છે. જ્યારે નાસ્ડેક 414.20 એટલે કે 3.52 ટકા ઘટી 11,340.02 થયો હતો. જ્યારે એસ એન્ડ પી 500 116.96 પોઇન્ટ કે 2.91 ટકા ઘટી 11,340.02 થયો હતો.

શુક્રવારે યુરોપીયન બજારો પણ બેથી ત્રણ ટકા ઘટેલા હતા. જ્યારે આજે એશિયાઈ બજારોએ ઘટાડા સાથે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રનો પ્રારંભ કર્યો છે. નિક્કી 816 પોઇન્ટ એટલે કે લગભગ ત્રણ ટકા ઘટી 27,008.53 પોઇન્ટ થયો હતો. હેંગસેંગ 703 પોઇન્ટ કે 3.23 ટકા ઘટી 21,100.84 પોઇન્ટ થયો હતો.  જ્યારે શાંઘાઈ 39.56 કે 1.20 ટકા ઘટી 3,245.08 પોઇન્ટ થયો હતો.

ઘટાડાના બજારમાં સૌથી વધુ ખરાબ હાલત હોય તો સરકારી વીમા કંપની એલઆઇસીની છે. આ કંપનીના આઇપીઓમાં રોકાણ કરનારાઓને 1.66 લાખ કરોડનું નુકસાન ગયું છે. સપ્તાહના પ્રારંભિક સત્રમાં જ તેનો ભાવ 3 ટકાથી વધારી તૂટીને 700ની અંદર ઉતરી ગયો હતો. આ ઉપરાંત આજે એલઆઇસીના એન્કર રોકાણકારોનો લોક-ઇન પીરિયડ પૂરો રહ્યો છે. તેથી અત્યાર સુધી આ શેર જે રીતે તૂટ્યો છે તે જોતાં એન્કર ઇન્વેસ્ટર્સ તેમા વેચવાલી કરે તેવી પૂરી સંભાવના છે. જ્યારે ક્રૂડમાં 120 ડોલરની આસપાસ ટ્રેડિંગ થઈ રહ્યું છે.

Your email address will not be published.