શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, બે મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો

| Updated: July 8, 2021 6:36 pm

સ્થાનિક કારણોમાં વધી રહેલો ફુગાવો અને વૈશ્વિક પરિબળોના આધારે ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે વેચાણ જોવ મળ્યું હતું. સત્રના અંતે સેન્સેક્સ 485 પોઈન્ટ ઘટી 52568 અને નિફ્ટી 151 પોઈન્ટ ઘટી 15727ની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે બન્ને ઇન્ડેક્સ વિક્રમી ઉંચી સપાટીએ બંધ રહ્યા પછી આજે છેલ્લા બે મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર આજે આઈટી ઇન્ડેક્સ સિવાય બધા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઘટાડો મેટલ્સ, જાહેર ક્ષેત્રની બેંકો, નાણાકીય સેવાઓ અને કન્ઝ્યુમર ગુડ્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સના મહત્વના શેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1.88 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.૮૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.૬૪ ટકા, એચડીએફ બેંક 1.24 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો,

“આજે સાપ્તાહિક પતાવટના દિવસે સતત વેચવાલીએ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટેકનીકલ ચાર્ટ ઉપર નિફ્ટીએ 15780 અને સેન્સેક્સે 52750ની મહત્વની સપાટી તોડી હતી જે બજાર માટે ટૂંકાગાળા માટે નકારાત્મક છે. આગામી દિવસોમાં આ બન્ને સપાટી મહત્વનો પ્રતિકાર બની શકે છે,” કોટક સિક્યુરિટીઝ, ટેકનીકલ રિસર્ચના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસીડેન્ટ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું.

ભારતમાં આજે જયારે ટ્રેડીંગ શરુ થયું ત્યારે એશીયાઇ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષના અંત સુધીમાં જ દર મહીને ખરીદવામાં આવતા બોન્ડનું પ્રમાણ ઘટે એવો સંકેત મળતા અમેરિકન ડોલર ત્રણ માસની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયામાં વધી રહેલા કોવીડ કેસો અને જાપાનની રાજધાની ટોકિયોમાં ઈમરજ્ન્સી લાદી દેવામાં આવી હોવાના અહેવાલની પણ બજાર ઉપર અસર જોવા મળી રહી હતી.

સ્થાનિક રીતે ભારતમાં ગાહક ભાવાંક આધારિત ફુગાવો સાત મહિનાની ઉંચી સપાટીએ રહે એવા રોઈટર્સના એક અર્થશાસ્ત્રીઓના સર્વેના કારણે ચિંતા જોવા મળી હતી. ફુગાવાનો દર સતત રિઝર્વ બેંકના માપદંડ કરતા ઉંચો રહે છે અને તેના કારણે વ્યાજ દર ઘટાડવા શક્ય નથી. સતત વધતા ફુગાવાના કારણે વ્યાજ દર ઘટાડવા દબાણ જોવા મળી રહ્યું છે.

 ”વૈશ્વિક ચિંતાઓ વચ્ચે બજારમાં આજે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું હતું. આવતીકલી ટીસીએસના ત્રિમાસિક પરિણામના આધારે બજારમાં શરૂઆતમાં ટ્રેડીંગ થાય એવી શક્યતા છે. આ પરિણામના આધારે અન્ય કંપનીઓની જૂન ક્વાર્ટરની કમાણીનો તાગ પણ મળશે. અત્યારે રોકાણકારોએ સાવચેત રહી બજારમાં ખરીદી કરવી જોઈએ,” એમ રેલીગેર બ્રોકિંગના ઇક્વિટી રીસર્ચ હેડ અજીત મિશ્રાએ જણાવ્યું હતું. 

Your email address will not be published.