બોરસદમાં ગત મોડી રાત્રે બાઈક લઈ જવા બાબતે પથ્થરમારો થયો હતો. આ બનાવમાં પાંચથી વધારે લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બોરસદના ચુંવા ગામે રવિવારની મોડી રાત્રે બાઇક લઇ જઇ રહેલા યુવકનો ઝઘડો થયો હતો. ચુવા ગામે રામદેવપીરનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બાઇક લઇને પસાર થવા બાબતે બે પરિવાર સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે આ ઝઘડા ઉગ્ર બનતા બન્ને પરિવારો સામસામે આવી ગયા હતા અને એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારાની ઘટનામાં પરિવારના પાંચ લોકોને ઈજાઓ પણ થઈ હતી જેથી તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.
જો કે, આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ મામલો શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હાલ આ ઝઘડો જૂની અદાવતમાં થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવને લઈ બોરસદ પોલીસે બન્ને પરિવારના નિવેદનો લઈ કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હાલ પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.