હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

| Updated: April 10, 2022 6:21 pm

ગુજરાતમાં સહિત રાજયમાં આજે રામનવમીની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહી છે. જો કે, હિંમતનગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં મામલો બીચકાયો હતો. જો કે, પથ્થરમારાનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ આજે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જો કે, કેટલાક અસામાજીક ત્તત્વો દ્વારા આ દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પથ્થરમારામાં બે જૂથો આમને સામને આવી એક બીજા પર પથ્થરમારો કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદીલી છવાઈ ગઈ હતી. ત્યારબાદ કેટલાક તોફાની ત્તત્વોએ વાહનોમાં ભારે તોડફોડ પણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા 5 રાઉન્ડ ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જો કે હજુ સુધી પથ્થરમારાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ખુદ ગૃહરાજ્યમંત્રી સમગ્ર બનાવ પર નજર રાખી રહ્યાં છે. આટલું જ નહીં, અરવલ્લી પોલીસની પણ મદદ લેવામાં આવી છે.

Your email address will not be published.