ડાંગમાં આદિવાસીઓ માટે 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા બોસ્ટન સ્થિત ડૉ. અશોક પટેલની ગાથા

| Updated: January 15, 2022 10:22 am

રમેશ તન્ના,અમદાવાદ: બોસ્ટનમાં વસતા, હવે સ્વર્ગસ્થ, ડૉ. અશોક પટેલે ગુજરાતના ડાંગ જિલ્લાના પાટનગર આહવામાં આદિવાસીઓ માટે 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. તન, મન અને ધન ત્રણેય, તેના માટે તેમણે ન્યોછાવર કર્યા હતા. પી ફોર પટેલ એવું સૂત્ર ગુજરાતમાં પ્રચલિત છે. (પટેલો પોતાની જ્ઞાતિના ઉત્કર્ષ માટે અનેકવિદ્ પ્રવૃતિઓ કરે છે. એ ઉપયોગ છે એટલી જ જોખમી પણ છે. આ વાત ભલે ગુજરાત અત્યારે વિચારતું નથી, પરંતુ ભવિષ્યમાં તેની દૂરોગામી અસરો પડશે.) એવી સ્થિતિમાં અમેરિકામાં વસતા એક પટેલને આદિવાસીઓનો ઉત્કર્ષ કરવાનું મન થયું અને તેમણે જીવ્યા ત્યાં સુધી એ માટે અથાક પ્રયત્નો કર્યા.

ડૉ. અશોકભાઈ બોસ્ટનથી આહવા, આ પ્રોજેક્ટ માટે આશરે 70 વખત આવ્યા હતા. અનેક પડકારોનો તેમણે સામનો કર્યો હતો.ગયા વર્ષે ડૉ. અશોક પટેલનું કોરોનામાં બોસ્ટન ખાતે નિધન થયું હતું. તેમના પરિવારમાં તેમનાં ધર્મપત્ની સરોજબહેન અને બે દીકરીઓ છે. મોટાં દીકરી નતાશાબહેન (31 વર્ષ) પિતાના પગલે ડેન્ટિસ્ટ થયાં છે તો નાનાં દીકરી નિરાલીબહેન (30) ડૉકટર છે.

ડૉ. અશોકભાઈ પટેલ દર વર્ષે અમેરિકાથી ડોકટરોની ફોજ લઈને આવતા અને આહવામાં આદિવાસીઓ માટે આરોગ્ય શિબિરો કરતા. આદિવાસીઓના આરોગ્ય માટે અમેરિકી ફિકર ક્યારેય ઢીલી પડી નહોતી. ગયા વર્ષે આહવામાં સતત છઠ્ઠા વર્ષે આરોગ્ય શિબિર યોજાયો હતો. સેંકડો આદિવાસીઓ ભાઈ-બહેનોને તેનો લાભ મળતો. તેમણે અંગત જહેમત કરીને, અનેક વખત (આશરે 70-80 વખત તો તેઓ આવ્યા જ હશે) બોસ્ટનથી આહવા આવીને 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. હોસ્પિટલનું નિર્માણ કરીને તેઓ છૂટી નહોતા ગયા તેઓ સતત આ હોસ્પિટલને કાર્યરત રાખી રહ્યા હતા..

2014થી તેઓ નિયમિત રીતે, દર વર્ષે અમેરિકાના ડૉક્ટરો તથા અન્ય સ્ટાફને લઈને આવતા. અહીં વિવિધ રોગોના આરોગ્ય શિબિર યોજાતી. ડાંગના ગરીબ અને શ્રમિક આદિવાસીઓને તેનો લાભ મળતો. આઠમીથી સોળમી ડિસેમ્બર, 2019 સુધી સાત દિવસ માટે આવો શિબિર યોજાયો હતો. કુલ 60 વ્યક્તિની ટીમને લઈને તેઓ અમેરિકાથી આવ્યા હતા. તેમાં ડૉક્ટરો હતા, સ્વયંસેવકો હતા, મેડિકલના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા. આ આખી ટીમે સતત સાત દિવસ સુધી આરોગ્ય કેમ્પ કર્યો. ગયા વર્ષે 1640 દર્દીઓની સારવાર કરાઈ હતી. આ છઠ્ઠો કેમ્પ હતો. બધા જ પ્રકારના રોગો માટે આ કેમ્પ હોય છે.

ડૉ. અશોકભાઈએ એ વખતે “પોઝિટિવ મીડિયા”ને કહ્યું હતું, ડાંગના આદિવાસીઓને હવે ખબર પડી ગઈ છે કે દર વર્ષે ડિસેમ્બરમાં આરોગ્ય શિબિર થાય છે, તેથી તેઓ રાહ જાઈને જ બેઠા હોય છે. ડાંગ જિલ્લામાં આવેલાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ આ શિબિરમાં દર્દીઓ મોકલીને સહયોગ આપે છે. પહેલાં આ શિબિરો સાપુતારાની શિલ્પી હોટલમાં થતા હતા, પરંતુ હવે આહવામાં હોસ્પિટલ થઈ જતાં અહીં જ શિબિરોનું આયોજન થાય છે. ચામડીના રોગો, આંખનાં દર્દ, પીઠનો દુઃખાવો, કમજારી, બહેનોના પ્રશ્નો એમ વિવિધ પ્રકારની બિમારીના દર્દીઓ અહીં આવે છે.

અમેરિકાથી કરૂણાનો ઝરો લઈને આવતા ડૉક્ટરો ખૂબ જ પ્રેમથી આ આરોગ્ય શિબિર કરતા. તેનું નેતૃત્વ ડૉ. અશોક પટેલ કરતા. અમેરિકાથી આવેલા માયાળુ ડૉક્ટરો અને તેમની આખી ટીમને સ્થાનિક સંસ્કૃતિનો સ્પર્શ થાય તે માટે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવતો. અમેરિકાથી આવેલી આ ટીમ પ્રકૃતિથી છલોછલ ડાંગના જુદા જુદા વિસ્તારોમાં ફરતી. અરે ! ટીમના કેટલાક સભ્યોએ મહેંદી પણ મૂકાવી હતી.

Your email address will not be published. Required fields are marked *