તગડા ભાજપ સામે લંગડા વિપક્ષોની લડાઈ

| Updated: June 24, 2021 7:40 pm

કોઈ પણ રાજકીય વારસો મેળવવો, ટકાવવો અને તેની અપેક્ષાઓમાં પાર ઉતરવાનું કામ બહુ મુશ્કેલ હોય છે. કોંગ્રેસ (Congress) ના વડવાઓએ પાર્ટીને જે જબ્બરજસ્ત મજબૂતી આપી હતી તેને કોંગ્રેસે ધીમે ધીમે વેડફી નાખી છે. સમાજવાદીઓ તો એટલા વેરવિખેર થઈ ગયા છે કે તેમાંથી કેટલાને સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મૂળભૂત સિદ્ધાંતો અથવા તેના સ્થાપકો જયપ્રકાશ નારાયણ, બસાવન સિંઘ (સિંહા), આચાર્ય નરેન્દ્ર દેવ અને જે. બી. કૃપલાણીના નામ યાદ હશે તે કહેવું પણ મુશ્કેલ છે.

એવું નથી કે હવે તેઓ તેમની મૂળ આવૃત્તિના ઓળખી પણ ન શકાય તેવા ક્લોન બની ગયા છે. તેમણે અમુક ફીચર્સ જાળવી રાખ્યા છે, પરંતુ તેઓ જે સત્તાના રાજકારણનો ભાગ છે તેના કારણે તેમના મુખ્ય સિદ્ધાંતોથી તેઓ ચલિત થયા છેઅને તેમનું માળખું જેના પર ટકી રહેલું હતું તે આદર્શવાદથી દૂર જતા રહ્યા છે.

ભાજપ(BJP) ના ભૂતપૂર્વ નેતા અને હવે ટીએમસી (TMC) માં જોડાઈ ગયેલા યશવંત સિંહા દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મંચે 22 જૂને જ્યારે દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને વિરોધપક્ષોની બેઠક બોલાવી ત્યારે બધાએ તેની સરખામણી 1977ની જનતા પાર્ટી અને 1988ના જનતાદળ સાથે કરી હતી. અત્યાર સુધીમાં કોઇ પણ સત્તાધારી પક્ષ સામે વિરોધ પક્ષોનું તે સૌથી વધારે મજબૂત પુનઃસંગઠન હતું.

એવું કહેવાય છે કે યશવંત સિંહા (Yashvant Sinha) એ ભાજપ સિવાયના પક્ષોના પ્રતિનિધિઓને બોલાવ્યાi હતા, પરંતુ તેઓ માત્ર પાંચ કોંગ્રેસી સભ્યો સુધી જ પહોંચી શક્યા. તેમાંથી ત્રણ તો જી-23નો હિસ્સો હતા જેણે થોડા જ મહિનાઓ અગાઉ ગાંધી પરિવારના નેતૃત્વ અંગે સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડરા (Priyanka Gandhi Vadra) ને આ વિશે પૂછવામાં આવ્યું ન હતું અને આમાંથી કોઈ તેમના ‘વફાદાર’ ગણાતા ન હતા.

સિંહાની આ પહેલના કારણે ઘણાના મનમાં કેટલીક શંકા પેદા થઈ હતી. કારણ કે તેમણે પોતાની રાજકીય કારકિર્દીનો મોટા ભાગનો હિસ્સો ભાજપમાં ગાળ્યો છે અને તેઓ વાજપેયી સરકારમાં એટલા વરિષ્ઠ સ્થાન સુધી પહોંચી શક્યા હતા જ્યાં પહોંચવાનું સૌભાગ્ય પાછળથી આવેલા બહુ ઓછા લોકોને મળ્યું હતું.

સિંહા સમાજવાદી જનતાપાર્ટીમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેઓ એવી રાજકીય ફિલોસોફીમાં માનતા હતા જેમાં સમાજવાદ અને સ્વદેશી અર્થતંત્રનું ઉદારીકરણ અને સુધારા સાથે મિશ્રણ કરવામાં આવતું હતું. ડીએમકે, આરજેડી અને બીએસપી જેવા મહત્ત્વના પ્રાદેશિક પક્ષો તેમાંથી બાકાત હતા અને નેતાઓની હાજરી પણ બહુ પાંખી હતી. નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી અને પવાર તેમાં હાજર રહ્યા હતા, આ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને ડાબેરી મોરચાએ પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા.

અધુરા મને થયેલો આ પ્રયાસ શું દર્શાવે છે?

પ્રથમ, તો ડીએમકે, નેશનલ કોન્ફરન્સ અને આરજેડી જેવા કેટલાક પ્રાદેશિક પક્ષોએ ભલે કોંગ્રેસના વિરોધી તરીકે શરૂઆત કરી હોય, તેમણે હવે કોંગ્રેસ સાથે શાંતિનું વલણ અપનાવ્યું છે અને તેમને સમજાયું છે કે વિરોધપક્ષોને જો એક સ્થિર એન્કરની જરૂર હોય, તો તે કોંગ્રેસ છે. 

સમયાંતરે શરદ પવાર ત્રીજા મોરચાનું કમાન સંભાળશે તેવા અહેવાલો આવતા રહે છે, પરંતુ એનસીપીના જ સહયોગી માજિદ મેમણે સ્પષ્ટ કહ્યું છે કે પવારને ભાજપ-વિરોધી સંગઠન રચવાનો કોઈ ઇરાદો નથી અને તેમણે મિટિંગ પણ બોલાવી ન હતી.

બીજું, ડીએમકે અને આરજેડી હાલમાં કોંગ્રેસના સાથીપક્ષ છે. તેથી તેઓ આ ભાગીદારી તોડીને એક અવિકસીત મોરચાનો ભાગ બને તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

ત્રીજું, ડીએમકે, આરજેડી અને એસપી જેવા કેટલાક બિન-ભાજપ પક્ષો આજે પોતપોતાના પ્રદેશમાં એટલા મજબૂત છે કે એટલી મજબૂત તો એનસીપી પણ નથી.

આ ઉપરાંત, ઇંદિરા ગાંધીએ 1977માં દેશમાં ચૂંટણીની જાહેરાત કરી ત્યારે ઇંદિરા તથા ઇમરજન્સી વિરુદ્ધ લોકોમાં અણગમો હતો. ઇમરજન્સી વિરુદ્ધ જયપ્રકાશ નારાયણની ચળવળમાંથી પેદા થયેલો વિરોધપક્ષ ભલે ગમે તેટલો અવ્યવસ્થિત હોય તો પણ તેણે પોતાની પૂર્ણ તાકાત કામે લગાવી હતી જેથી ઇંદિરાએ સત્તા ગુમાવવી પડી હતી.

તેવી જ રીતે 1988માં જનતાદળ વી. પી. સિંહની આગેવાની હેઠળના મોરચામાં રૂપાંતરિત થઈ ગયું ત્યાં સુધીમાં આખો દેશ એકંદરે તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિરોધમાં હતો. તેઓ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા હતા, તેમના નિકટના સલાહકારો તેમને છોડીને જતા રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિરને ‘મુક્ત’ કરાવવા માટે શરૂ કરેલા અભિયાનના કારણે રાજીવ હિંદુત્વના મુદ્દે બહુ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જનતાદળે ડાબેરી મોરચામાં ભાજપ સાથે જોડાણ કરવાની ફરજ પડી. આ એક બિનકુદરતી જોડાણ હતું જે લાંબો સમય ટક્યું નહીં. 1980માં જે રીતે વાજપેયી અને એલ. કે. અડવાણી જનતાપાર્ટીની સરકારમાંથી નીકળી ગયા હતા, તેવી જ રીતે 1990માં વી. પી. સિહની સરકાર પણ મંદિર ‘આંદોલન’નો વિરોધ કરવાના કારણે પડી ભાંગી હતી.

વિરોધપક્ષોની ચળવળ સાથે બીજું એક અગત્યનું આરએસએસનું જોડાણ પણ હતું. 1975 અને 1989માં સંઘનું વજન પડતું હતું અને તેના કારણે વિરોધપક્ષોનું જહાજ સ્થિર રહી શકતું હતું. અત્યારે સંઘની હિસ્સેદારી અને ટેકા વગર સમાજવાદીઓ, પ્રાદેશિક પક્ષો, કોંગ્રેસના બળવાખોરો સાથે મળીને એવો મોરચો રચી શકે જે કોંગ્રેસને પછાડવા માટે કામ કરે તે માનવું મુશ્કેલ છે. અત્યારની સ્થિતિમાં મોરચાને સંગઠીત રાખી શકે એવું કોઈ સંગઠન નથી.

તાજેતરની વિધાનસભા ચૂંટણી અગાઉ મમતા બેનરજી અને એમ તે સ્ટાલિનના સલાહકાર રહી ચુકેલા રાજકીય સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે જ્યારે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ત્રીજા, ચોથા મોરચાની શક્યતા નકારી કાઢી ત્યારે પવારના નિવાસસ્થાને એકઠા થયેલા નેતાઓએ અમુક મહત્ત્વ ગુમાવ્યું હતું. આ બેઠક અગાઉ પ્રશાંત કિશોરે પવાર સાથે વાતચીતના બે સત્ર ગોઠવ્યા હતા.

કોંગ્રેસ જ્યાં સુધરશે નહીં અને પાર્ટીનું નેતૃત્વ કરી શકે તેવા પ્રમુખની પસંદગી નહીં કરે ત્યાં સુધી એક નવો મોરચો રચાય તે બાબતે શંકા છે. ભાજપનો સામનો કરવા માટે જે જુસ્સા અને સંસાધનની જરૂર છે, તેનો કોંગ્રેસમાં અભાવ છે.

~રાધિકા રામશેષન

(રાજકીય વિશ્લેષક અને કટારલેખક)

Your email address will not be published.