વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની એક પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાને બદલે હાલ ધરપકડ કરવામાં આવી છે. આ વીડિયો યુવરાજની કારમાં લગાડેલ કેમેરામાંથી જ લેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ વીડિયો અધુરો હોવાનો વિદ્યાસહાયકના ઉમેદવારોએ જણાવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાસહાયક ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડને લઈ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક ઉમેદવારે મીડિયા સાથે કરેલી વાતચીતમાં યુવરાજસિંહને નિર્દોષ ગણાવીને કહ્યું, “આપણે ગાડીમાં જતા હોઈએ અને સ્વાભાવિક છે કે કોઈ આવીને આપણી ગાડીના બોનેટ પર કૂકદો મારીને ચઢી જાય તો આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ?” આ સિવાય ઉમેદવારે એવો પણ દાવો કર્યો છે કે અમે પણ એ સમયના વિડીયો ઉતાર્યા હતા પરંતુ અમને અંદર બોલાવીને કડક વોર્નિંગ આપવામાં આવી કે તમારા ફોનમાં જે વિડીયો છે તે ડિલિટ કરી નાખો. જોકે, આ અમે સાંભળ્યું નહોતું. પછી તેમણે અમને એક-એકને પર્સનલ બોલાવીને અમારા મોબાઈલ ફોનના લોક ખોલાવીને એ ઘટનાના વિડીયો ડિલિટ કરાવ્યા હતા.
ઉમેદવારે વધુમાં પોલીસને ટાંકીને કહ્યું કે, તમે જે 7 સેકન્ડનો વિડીયો બતાવ્યો છે તેના સિવાયના વિડીયો અમારી પાસે હતા જે ડિલિટ કરાવી દીધા છે. ઉમેદવારે પોલીસને સામો સવાલ કર્યો છે કે, જો તમે સાચા છો તો અમારા ફોનમાંથી વિડીયો શું કામ ડિલિટ કરાવી દીધા? અને તમે પુરો વિડીયો શા માટે બતાવતા નથી?
પોલીસ દ્વારા યુવરાજસિંહની ધરપકડ પહેલા હાથાપાઈ પણ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા ભાઈને ઘેરી લીધા હતા અને કહ્યું હતું કે તેમને મારશો નહીં. આ પછી વાતાવરણ બગડ્યું અને અમે બધાને અંદર લઈ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે સચિવાલયના ગેટ નંબર 4 આગળ વિદ્યાસહાયક ઉમેદવારોએ ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસે એ તમામની અટકાયત કરી હતી. વિરોધ દરમિયાન એક મહિલા ઉમેદવાર બેભાન થઈ હતી. વિદ્યાસહાયક ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર 1 પર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાસહાયક ઉમેદવારોની માંગ છે કે, સરકાર દ્વારા માત્ર 3 હજાર 300 જગ્યા પર નહિ પરંતુ મહેકમ પ્રમાણે 12500 જગ્યા પર ભરતી કરવામાં આવે.