ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટથી વધુ એક લહેર આવી શકે છે

| Updated: May 2, 2022 2:25 pm

ઓમિક્રોન કોરોના વાયરસ વેરિઅન્ટનાં બે નવાં સબ વેરિઅન્ટ પર અગાઉના ચેપથી બનેલા એન્ટિબોડીઝની અસર થતી નથી તેમ દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે.આ નવા વેરિઅન્ટથી કોરોનાની લહેર આવી શકે તેવી પણ દહેશત વિજ્ઞાનીઓએ વ્યક્ત કરી છે. જોકે રાહતની બાબત એ પણ છે કે કોરોનાની રસી લેનારા લોકોને તે અસર કરે તેવી શકયતા બહુ ઓછી છે.

વિવિધ ઇન્સ્ટિટ્યુટનાં વિજ્ઞાનીઓએ ઓમિક્રોનના બીએ.4 (BA.4) અને બીએ.5 (BA.5) સબ-વેરિઅન્ટની તપાસ કરી હતી. આ બંનેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગયા મહિને તેની મોનિટરિંગ યાદીમાં ઉમેર્યા હતા. ઓમિક્રોન ગયા વર્ષનાં અંતમાં દેખાયો ત્યારે તેમણે ચેપગ્રસ્ત 39 લોકોનાં લોહીના નમૂના લીધા હતા.

જેમાંથી પંદરને રસી આપવામાં આવી હતી. આઠ લોકોએ ફાઇઝરની અને સાત લોકોએ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી લીધી હતી. સાત લોકો એવા હતા જેમણે કોઇ રસી લીધી ન હતી .રસી લીધેલા લોકોમાં ઓમિક્રોનને ખતમ કરવાની પાંચ ગણી વધુ ક્ષમતાં જણાઇ હતી તેમ સ્ટડીમાં જણાવાયું હતું જેની પ્રિ-પ્રિન્ટ સપ્તાહનાં અંતે બહાર પાડવામાં આવી છે.

જે લોકોએ રસી લીધી ન હતી અને બીએ.4 અને બીએ.5ના સંપર્કમાં આવ્યા હતા તેમનાં એન્ટિબોડી ઉત્પાદનમાં બીએ.1 ઓમિક્રોનની સરખામણીમાં લગભગ આઠ ગણો ઘટાડો થયો હતો. રસી લીધેલા લોકોના લોહીમાં ત્રણ ગણો ઘટાડો જોવા મળ્યો હતો.

વિજ્ઞાનીઓ અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં અગાઉની ધારણાં કરતાં વહેલા કોરોનાની નવી લહેર આવી શકે છે.તે માટે તેમણે બીએ.4 અને બીએ.5 ઓમિક્રોન સબ-વેરિઅન્ટ્સથી ફેલાતા ચેપને જવાબદાર ગણાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાની 6 કરોડની વસતીમાંથી માત્ર 30 ટકા લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, બીએ.4 અને બીએ.5નાં ચેપથી નવી લહેરની શકયતા છે.

Your email address will not be published.