વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડાની શેઠ જી.એચ. એન્ડ ડી.જે.સાર્વજનિક હાઈસ્કૂલનાં આચાર્યા અલ્પાબહેન નાયક મોદીએ, પ્રેમ, સંવેદના અને નિષ્ઠાથી પ્રેરાઈને પરીક્ષા આપવા આવતી વખતે અકસ્માતનો ભોગ બનેલી ગરીબ ઘરની વિદ્યાર્થિનીને પૂરો સહયોગ આપી, હીંમત અને હૂંફ આપી, તમામ સુવિધા-વ્યવસ્થા કરીને પરીક્ષા અપાવી.
ધન્ય છે કરુણાનાં સાગર સમાં આચાર્ય અલ્પાબહેન નાયક મોદીને.

હોસ્પિટલ જઈને વિદ્યાર્થીને બાકીની પરીક્ષા આપવા પ્રેરીત કરનારાં અલ્પાબહેનને સલામ અને વંદન.
આખી વાત વિગતે કરીએ.
૨૮મી માર્ચ, 2022ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થઇ.
શેઠ જી.એચ.એન્ડ ડી.જે.સાર્વજનિક હાઈસ્કૂલ, બગવાડા (તા.પારડી, જિલ્લોઃ વલસાડ)ના કેન્દ્રમાં તા. ૩૧ માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્રમાં અંગ્રેજી માધ્યમની રિયા સંતોષ યાદવ નામની એક વિધાર્થીની કે જેણે પહેલું પેપર આપેલું તે ગેરહાજર હતી.

પોતાના કાર્યમાં પૂરાં નિષ્ઠાવાન એવાં અલ્પાબહેને તરત જ સંબંધિત શાળામાં ફોન કરીને તપાસ કરી. જાણવા મળ્યું કે પોતાના કાકા સાથે મોપેડ પર બેસીને એ વિદ્યાર્થિની પરીક્ષા આપવા આવતી હતી ત્યારે એક ટ્રકવાળાએ ટક્કર મારી. રીયા પડી ગઈ અને તેને પગે ઈજા થઈ. તેને તરત જ હોસ્પિટલ લઈ જવાઈ.
અન્ય કોઈ આચાર્યા હોત તો અફસોસ કરીને બેસી રહેત, પણ આ તો માણસાઈનાં કેળવણી પામેલાં અલ્પાબહેન. પગારદાર નહીં, જવાબદાર શિક્ષક. તેમણે પહેલું કામ, જ્યાં અકસ્માત થયો હતો, ટોલનાકા પાસે, ત્યાં સલામતી રક્ષક બેસાડવાનું કર્યું જેથી બીજા કોઈ વિદ્યાર્થી ભોગ ના બને. માત્ર પરીક્ષા પૂરતી જ નહીં, કાયમ માટે અહીં સુરક્ષા તેમણે ઊભી કરી. (આ સ્થળ સંભવિત અકસ્માત ક્ષેત્ર છે)
એ પછી તેમણે બીજું કામ કર્યું દીકરીની ખબર પૂછવા જવાનું. આમ તો રીયા યાદવ તેમની શાળાની વિદ્યાર્થિની નહોતી, તે માત્ર પરીક્ષા જ આપવા આવતી હતી, અને તેય માત્ર એક દિવસ 28મી માર્ચે પરીક્ષા આપવા આવી હતી અને બીજા દિવસે તો આવી પણ નહોતી. એક જ દિવસના સંપર્કે અલ્પાબહેનના મન-હૃદયમાં તેના માટે જબરજસ્ત લાગણી જન્મી હતી.

હોસ્પિટલમાં જઈને તેમણે દીકરી રિયાની સ્થિતિ જોઈ. સર્જરી પછી જો વિદ્યાર્થિની ધારે તો પરીક્ષા આપી શકે તેવું અલ્પાબહેનને લાગ્યું.
તેમણે ડૉ. મુસ્તાક કુરેશીને વાત કરી. મુસ્તાક કુરેશી સાહેબ પોતે સંવેદનશીલ અને માનવતાવાદી. અચ્છા વાચક અને લેખક. સાહિત્ય સહિતની વિવિધ પ્રવૃતિઓમાં ઊલટથી જોડાય. સુંદર એન્કરિંગ પણ કરે. તેમણે અને તેમની સાથેની ડૉકટરની ટીમે પૂરો સહયોગ આપ્યો.
દરમિયાન અલ્પાબહેને વલસાડના જિલ્લા શિક્ષણાધિકારી (ડી.ઈ.ઓ.) શ્રી વસાવા સાહેબને જાણ કરી અને આ અંગે ઘટતું કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આપણાથી થતું હશે એ બધુ જ આપણે કરીશું.
અલ્પાબહેન ઈચ્છતાં હતાં કે દીકરીને પ્રોત્સાહિત કરીને, તેની પરીક્ષા લેવાની પરીક્ષા માટે અલાયદી વ્યવસ્થા કરીને, યોગ્ય કાર્યવાહી કરી પરીક્ષા આપવા પ્રેરિત કરીએ. એમ થાય તો દીકરીનું વર્ષ ન બગડે. તે જેની પરીક્ષા આપી શકાઈ નહોતી તે એક પ્રશ્નપત્ર જુલાઈમાં આપી દે.
ડૉ. કુરેશીએ બીજા દિવસે જાણ કરી કે પગ લાંબો રાખીને પરીક્ષા આપી શકાય. હું એમ્બ્યુલન્સ મોકલીશ. અલ્પાબહેને સર્જનનું સર્ટિફિકેટ મેળવ્યું. પોતાની શાળાના સંચાલક મંડળને જાણ કરી. શ્રી વસાવા સાહેબને ફોન કરીને માર્ગદર્શન માગ્યું.
છેવટે રિયા યાદવ માટે એમણે અલાયદા સી.સી.ટી.વી. કેમેરાવાળા ભોંયતળિયાવાળા બ્લોકની વ્યવસ્થા થઈ.

ખાસ શિક્ષિકાને સુપરવિઝન માટે તૈયાર કરાયાં. અલ્પાબહેને કહ્યું કે જો રવિવારે દીકરીને મળીને પ્રોત્સાહિત કરાય તો એ સોમવારનું પેપર ઉત્તીર્ણ થવા માટેના પ્રયત્નોથી લખી શકે.
એમણે દીકરીને મળીને ખબર પૂછી પોતાના બે પગ ગુમાવ્યા પછી પણ એવરસ્ટ સર કરનારાં અરુણિમા સિંહાના સંઘર્ષની વાત કરી. ભગવદ્ ગીતાનો સંદેશ સમજાવ્યો. એમની વાતો સાંભળીને રિયાએ કહ્યું, “હારના નહીં હૈ”
શાળાનાં આચાર્યા શ્રીમતી અલ્પાબહેને કહ્યું, “હમ તુમ્હે હારને નહીં દેંગે. હમારા મેનેજમેન્ટ, શાળા પરિવાર, સભી તૈયાર હૈં, તુજે વેલકમ કરેંગે, કલ વક્તપે આ જાના. હો શકે તો 24 માર્ક્સકા ઓબજેક્ટીવ ઓર દો – તીન long questions પ્રીપેર કરકે આના, આત્મવિશ્વાસ રખના, અરુણિમાસિંહાકી કહાની યાદ રખના.”
બીજા દિવસે રિયાની એમ્બ્યુલન્સ શાળામાં આવી ત્યારે શાળાના શિક્ષકોએ તેને પ્રેમથી આવકારી. શાળાના સેવકભાઈઓએ ખૂબ કાળજીથી ઊંચકીને બ્લોકમાં બેડ પર બેસાડી. પોતાની દીકરીની જેમ બગવાડા શાળા પરિવારે રિયાનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો. એમ્બ્યુલન્સમાં પાછી મૂકવા પણ સેવકભાઈઓ સમયસર હાજર થઇ જતા. આચાર્ય, સુપરવાઇઝરો, રિલીવરો, અરે સમગ્ર સ્ટાફે માણસાઇની કેળવણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. તેનાં માતા-પિતાને પણ સાંત્વન આપ્યું.
પછી તો રિયાએ તમામ પ્રશ્નપત્રોની પરીક્ષા આપી. હવે જુલાઈમાં એક વિષયની તે પરીક્ષા આપી દેશે. ભણવામાં તેજસ્વી છે એટલે પાસ થઈ જ જશે. આમ તેનું એક વર્ષ બચી જશે.
રિયાના મનોબળને સલામ. જોકે ખરો યશ જાય છે પ્રેમથી ભરેલાં આચાર્યા અલ્પાબહેનને. તેઓ કહે છે કે મારી ફરજ હતી . માણસાઇની કેળવણી પામી છું એટલે આપવાના પ્રયત્ન કરીશકું છું. ડો કુરેશી, અન્ય ડોકટરો તથા ડીઇઓ શ્રી, ઝોનલ અધિકારી, મારુ મેનેજમેન્ટ, મારા શિક્ષકો અને સેવકભાઇઓ સૌના સાથથી આ શકય થયું. દીકરીનું વર્ષ બચ્યું અને જીવનમાં કયારેય હિંમત ન હારવી એવું શિક્ષણ પામી એનો સંતોષ.
શ્રીમતી અલ્પાબહેને initiative લીધું તો સંચાલક મંડળ, આશિતભાઈ શાળા પરિવારે માણસાઈ અને જીવનની કેળવણીનું ભાવાવરણ ઊભું કર્યું. આ શાળા આવી જ જીવનની અને માણસાઈની કેળવણી આપવા પ્રયત્નશીલ છે. શાળાનો હેતુ છે કે તાલીમથી ટ્રાન્સફોર્મેશન સુધીની યાત્રા કરાવી વિદ્યાર્થીઓનું એવું ઘડતર કરવું કે જે સ્વ અને રાષ્ટ્ર માટે જાગૃત અને સંવેદનશીલ થાય. સંચાલક મંડળના હોદેદારો, પ્રમુખશ્રી હેમંતભાઈ, ઉપપ્રમુખ શ્રી ઉજેશભાઈ, મંત્રીશ્રી દિનેશભાઈ, સહમંત્રીશ્રી મનીષભાઈ, શિક્ષકમિત્રો,સેવકભાઈઓએ નિરપેક્ષ ભાવે દીકરીનું એક વર્ષ બચાવવા અને જીવનમાં હિંમત ન હારવાનો પાઠ શીખવાનું શિક્ષણકર્મ કર્યું.
ડૉક્ટર કુરેશી ભાઈ, ડૉક્ટર કેયુરભાઈ, ડૉક્ટર ભાવેશભાઈ, હોસ્પિટલની સમગ્ર ટીમ, DEO શ્રી વસાવા સાહેબ, ઝોનલ અધિકારીશ્રી ગુલાબભાઈ, શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી, સભ્યશ્રી આશિત ભાઈ, આચાર્યા અલ્પાબહેન, શિક્ષકમિત્રો,સેવક ભાઈ-બહેનોના સહિયારા પ્રયત્નો ને કારણે રિયા બીજા માટે પ્રેરણારૂપ બની.

અલ્પાબહેન તથા તેમના પરિવારને શત્ શત્ વંદન. શિક્ષકો હોય તો આવા..
(જો આપ અલ્પાબહેન નાયક- મોદીને અભિનંદન આપવા માગતા હોવ તો તેમનો સંપર્ક નંબર 94268 93546 છે.)
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)