રાજકોટમાં ખાતે આવેલ જય સોમનાથ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી મેંદરડાની યુવતીએ હોસ્ટેલના રુમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મેંદરડાના તાલુકાના અણીયારે ગામે રહેતી સ્વાતીબેન સુરેશભાઈ પાઘડાર (ઉ.20) શાપર નજીક આવેલ ઢોલરાની જય સોમનાથ નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં નર્સીંગનો અભ્યાસ કરતી હતી. કોલેજના નિયમ અનુસાર સપ્તાહના દર રવિવારે 4 વાગ્યે પરિવાર સાથે અડધો કલાક વાત કરવાનો સમય આપવામાં આવે છે
સ્વાતીએ ગતરોજ રાત્રિ દરમિયાન તેમના માતા-પિતા સહિતના પરિવારજનો સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. જો કે વાતચીત પુરી થયા બાદ તેણીએ કોલેજની હોસ્ટેલના રુમમાં જ પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બાદ તેમની સાથે રહેતી ક્લાસમેટે રુમ ખોલતા સ્વાતી લટકેલી હાલતમાં જોવા મળી હતી. જે અંગે કોલેજનાં સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકનો મોબાઈલ જપ્ત કરી તેના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, સ્વાતીએ ગત રોજ ફોન કરી પરિવારના તમામ સભ્યો સાથે વાત કરી હતી અને તેમની વાત પરથી કંઇ અજુગતું હોઇ તેવું લાગતું ન હતું. તેમના આપઘાતથી પરિવાર પણ અજાણ છે. મૃતક બે બહેન અને એક ભાઈમાં વચેટ છે. તેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.