હાલ રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. એક બાજુ કોરોના મહામારી બાદ બોર્ડની પરીક્ષા આવતા વિદ્યાર્થિઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓ પેપર ખરાબ જવાના કારણે ઉદ્દાસ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રાજકોટની વિદ્યાર્થિનીએ પેપર ખરાબ જવાના ભયના કારણે ઘરમાં જ પેટ્રોલ છાંટી આપઘાત કરી લીધો હતો.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન અમદાવાદ અને નવસારીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તો હવે રાજકોટની ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા ખરાબ જવાના ડરે આપઘાત કર્યો છે. અમદાવાદના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ અચાનક પરસેવો થતાં 108ની મદદથી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તો નવસારીમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, તે સમયે હાર્ટ એટેક આવતાં વિદ્યાર્થીનું મોત થયું છે.