Site icon Vibes Of India

સુમુલ ડેરી 125 કરોડના ખર્ચે આઇસક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન પ્લાન્ટ સ્થપાશે

ગાંધીનગરઃ ગુજરાતે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે જબરજસ્ત હરણફાળ ભરી છે. ગુજરાતની અગ્રણી ડેરીઓ અમુલ, સુમુલ અને બનાસ ડેરી સહિત અનેક ડેરીઓ લાખો લોકોને રોજગારી આપી રહી છે. હવે ડેરી સેક્ટર વધુને વધુ વૈવિધ્યીકરણ કરી રહ્યુ છે. તેના ભાગરૂપે સુમુલ ડેરી 125 કરોડના ખર્ચે આઇસક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન પ્લાન્ટ સ્થાપશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા આઇસક્રીમ અને પ્રથમ કોન પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. દેશભરમાં આઇસક્રીમનું વેચાણ વધતા ભારતમાંથી અમુલ બ્રાન્ડમાંથી બનતા આઇસક્રીમનું ઉત્પાદન વધારવાનો અમુલ ડેરીએ નિર્ણય લીધો છે. તેના પગલે સુમુલ ડેરી 125 કરોડના ખર્ચે આઇસક્રીમ અને ગુજરાતનો પ્રથમ કોન પ્લાન્ટ સ્થાપશે.

સુમુલ રોજ એક લાખ લિટર આઇસક્રીમ ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપશે અને રોજ ત્રણ લાખ કોનનું ઉત્પાદન કરશે. ડેરીના આ પ્લાન્ટની ક્ષમતા પછી વિસ્તારીને દૈનિક ધોરણે આઠ લાખ કોનની કરવામાં આવશે.

ગુજરાતની 27 ડેરીઓમાં આઇસક્રીમ કોન બનાવનાર સુમુલ પ્રથમ ડેરી બનશે. આ ઉપરાંત કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ સ્કીમે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ સુમુલને ઓર્ગેનિક લેબોરેટરી બનાવવા માટે પસંદ કરી છે. તેના પેટે સુમુલને 20 કરોડ રૂપિયા મળશે. આ બંને કાર્યક્રમો 8મી જુનના રોજ બુધવારે સુમુલના નવા પારડી પ્લાન્ટ ખાતે યોજાશે. આ પ્લાન્ટનું ખાતમૂહુર્ત સી.આર. પાટિલ કરશે. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, સહકાર અને કુટિર મંત્રી જગદીશ પંચાલ, કૃષિ ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ તથા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ.ડી. આર એસ સોઢી હાજર રહેશે.