કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધારે મત પંચાયતના ઉમેદવારને મળે છે તેમ કહી સુનીલ જાખડે પાર્ટી છોડી

| Updated: May 14, 2022 4:31 pm

જલંધરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુનીલ જાખડે પક્ષના ઉમેદવાર કરતાં તો વધારે મત પંચાયતના ઉમેદવારને મળે છે તેમ કહી પક્ષ છોડ્યો હતો. કોંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષને હાલમાં ચાલતી ચિંતન શિબિરથી કોઈ ફાયદો નહી થાય, હાલમાં પક્ષને ચિંતન શિબિરની જરૂર નથી, તેના બદલે ચિંતા કરવાની જરૂર છે.

પોતાના સત્તાવાર ફેસબૂક લાઇવ પેજ પરથી કોંગ્રેસ છોડવાની જાહેરાત કરતાં સુનીલ જાખડે સોનિયા ગાંધીને અનેક સવાલો કર્યા હતા અને અંબિકા સોની પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે તાજેતરમાં જ સુનીલ જાખડ સામે શિસ્તબંઘના પગલાં લીધા હતા. તેમને પક્ષના તમામ હોદ્દા પરથી હટાવ્યા હતા. પંજાબ કોંગ્રેસે તેમને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. છેવટે સોનિયા ગાંધીએ તેમના પર નિર્ણય લેવો પડ્યો હતો.

કોંગ્રેસની શિસ્ત કાર્યવાહી સમિતિના કે.વી. થોમસે ગયા મહિને 11 એપ્રિલના રોજ જાખડને શિસ્તભંગના આરોપો હેઠળ કારણદર્શક નોટિસ જારી કરી હતી અને એક સપ્તાહમાં જવાબ માંગ્યો હતો. તેના પગલે જ મનાતું હતું કે હવે સુનીલ જાખડની પક્ષ છોડવાની ઘડીઓ ગણાઈ રહી છે. આમ તેના મહિના પછી તેમણે પક્ષ છોડવાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે પક્ષને હાલની ચિંતન શિબિરથી કોઈ ફાયદો નહી થાય. કોંગ્રેસને ખરેખર હારની ચિંતા હોત તો તેણે સમિતિની રચના કરી હોત. 403માંથી 300 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને બે હજાર પણ મત ન મળ્યા તેના માટે કારણ શોધવું જોઈએ. આનાથી વધારે મત તો પંચાયતના ઉમેદવારને મળે છે. આ માટે ઉમેદવાર જવાબદાર નથી. ટોચના નેતાઓ અને ટોચની નેતાગીરીએ કોંગ્રેસની હાલત બગાડી છે.

સુનીલ જાખડ પર વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને નુકસાન પહોંચાડનારા નિવેદનો આપવા અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. કોંગ્રેસ નેતા ઉદિત રાજે ખુલ્લેઆમ માંગ કરી હતી કે સુનીલ જાખડને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે. તાજેતરમાં આમ આદમીની પાર્ટી હેઠળની પંજાબ સરકારે સુનીલ જાખડ સહિત રાજ્યના આઠ વરિષ્ઠ નેતાઓની સલામતીમાં ઘટાડો કર્યો હતો, તેના પગલે પણ જાખડ ગિન્નાયા હતા.

Your email address will not be published.