કેવી રીતે ભણે ગુજરાત? સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો બે વર્ષથી ખુલ્લામાં ભણવા મજબૂર

| Updated: November 25, 2021 7:34 pm

ગુજરાતમાં એક તરફ સરકાર “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા લગાવે છે, પરંતુ સુરત જિલ્લાની છ પ્રાથમિક શાળાઓમાં શાળાના ઇમારતના કોઈ ઠેકાણા નથી. બાળકોએ છેલ્લા બે વર્ષથી ખુલ્લામાં ભણવા માટે મજબૂર થવું પડ્યું છે.

ગુજરાતમાં કેટલાક ગામડાઓની શાળાઓ બંધ કરી અન્ય ગામની શાળા સાથે મર્જ કરવાની વાતો કરવામાં આવે છે. વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં 22 શિક્ષકોના મોત નીપજ્યા હતા. તેમના પરિવારજનોને કોઈ વળતર ચુકવાયું નથી તે અંગેનો રોષ તેમના પરીવારજનોમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મંજુર મહેકમ કરતા ૩૫૫ જેટલા શિક્ષકોની ઘટ હોવા છતાં નવા શિક્ષકો ની વરણી કરવામાં આવી નથી આખરે નાના ભૂલકાઓ ના શિક્ષણ ઉપર ભારે અસર પહોંચી રહી છે.

સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દર્શન નાયકે આ મુદ્દો ઉઠાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જિલ્લા પંચાયત હસ્તકની 6 ગામોની પ્રાથમિક શાળાઓને જર્જરિત સ્કૂલનો રિપોર્ટ કરી બિલ્ડીંગ નોનયુઝ જાહેર કરી તોડી પાડી છે. મોડલ સ્કૂલ બનાવવાની વાતો કરી છે પરંતુ નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી. તેથી નિર્દોષ ભૂલકાઓને ખુલ્લામાં બેસીને ભણાવવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે સુરત જિલ્લાની પલસાણા તાલુકાની ગાંગપુર પ્રાથમિક શાળા, હરીપુરા ગામની પ્રાથમિક શાળા, ચોર્યાસી તાલુકાની કપલેથા પ્રાથમિક શાળા, ભરથાણા કોસાડ ગામની પ્રાથમિક શાળા, કામરેજ તાલુકાના કોસમાડા ગામની કોસમાડા પ્રાથમિક શાળા, ઓલપાડના કુવાડ ગામની પ્રાથમિક શાળા, ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામની પ્રાથમિક શાળાઓના મકાનના બાંધકામ જર્જરિત થઈ જતા સંબંધિત વિભાગ દ્વારા આ સ્કૂલોને સન 2020થી નોનયુઝ માં મૂકી દેવામાં આવી હતી.

હવે પ્રાથમિક શાળાઓ ચાલુ થઈ ગઈ છે, પરંતુ આ શાળાઓના નાના ભૂલકા સેંકડો દિવસોથી ઓરડાઓ વિના ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. છ ગામડાની શાળાઓના મકાન માટે નવીન ઓરડાઓ બનાવવા રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી.
(અહેવાલઃ કિરણ ગોહિલ)

Your email address will not be published. Required fields are marked *