2019માં કર્ણાટકમાં સત્તાપલ્ટા પાછળ પણ ‘જાસૂસી તંત્ર’ હતું?

| Updated: July 20, 2021 7:20 pm

પેગસસ પ્રકરણ બહાર આવ્યા પછી ભારતીય રાજકારણની ઘણી ઘટનાઓ સાથે તેને સાંકળવામાં આવે છે. લીક થયેલા ડેટા પરથી જણાય છે કે 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર પડી ગઈ તેના પહેલા ઉપમુખ્યમંત્રી જી. પરમેશ્વર, તત્કાલિન મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અંગત સચિવોના ફોનને ટાર્ગેટ તરીકે પસંદ કરાયા હતા.

ફ્રાન્સની મીડિયા નોન-પ્રોફીટ સંસ્થા ફોરબિડન સ્ટોરીઝ દ્વારા ડેટાબેઝ એકત્ર કરવામાં આવ્યો છે. તેમાં જાણવા મળે છે કે વરિષ્ઠ નેતાઓના ફોન નંબરને ટાર્ગેટ તરીકે ત્યારે પસંદ કરવામાં આવ્યા હતા જ્યારે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર અને ભાજપ વચ્ચે સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી. તે સમયે સત્તાધારી ગઠબંધનના 17 ધારાસભ્યોએ અચાનક રાજીનામા આપી દીધા અને સદનને વિશ્વાસનો મત લેવાની ફરજ પડી હતી.

તે જ સમયે રાહુલ ગાંધીનો જૂનો નંબર પણ 2018થી સ્પાયવેરની યાદીમાં હતો. તેમણે આ નંબર બદલીને નવો નંબર મેળવ્યો તો તેને પણ નિશાન બનાવવામાં આવ્યો.

કર્ણાટકના રાજકારણ સાથે સંકળાયેલા નંબરોમાં સફળતાથી સ્પાયવેર નાખવામાં આવ્યો હતો કે નહીં તે જાણવા માટે ફોરેન્સિક તપાસ જરૂરી છે.

સત્તા માટે ખેંચતાણ ચાલતી હતી ત્યારે કોંગ્રેસ અને જેડીએસે આરોપ મુક્યો હતો કે કેન્દ્ર સરકારના ટેકા હેઠળ ભાજપ તેના પાર્ટીના ધારાસભ્યોને ખરીદીને ગઠબંધન સરકારને પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તે સમયે ભાજપે તેની સામેના આરોપો નકારી કાઢ્યા હતા. પરંતુ એ વાત સાચી છે કે જે બળવાખોર ધારાસભ્યોને અધ્યક્ષે ગેરલાયક ઠરાવ્યા હતા, તેઓ તરત ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને કુમારસ્વામી સરકારના પતન પછી તેમને પેટા ચૂંટણી વખતે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર 2018માં રચાઈ હતી અને 14 મહિના બાદ જુલાઈ 2019માં સરકાર પડી ભાંગી હતી. તે સમયે ગૃહમાં વિશ્વાસનો મત લેવાયો હતો જેમાં ભાજપને 105 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસ-જેડીએસને માત્ર 99 વોટ મળ્યા હતા.

Your email address will not be published.