ગુજરાતમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં દરેક ઘરને નળ જોડાણ આપવાનો લક્ષ્ય

| Updated: December 7, 2021 8:04 pm

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં “હર ઘર જલ યોજના” હેઠળ જે ઘરોને જોડાણ આપવાના બાકી છે તેને આગામી સપ્ટેમ્બર 2022 સુધીમાં આવરી લેવા દિશાનિર્દેશ આપ્યા છે. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે પણ પાણી પુરવઠા વિભાગને સૂચવ્યું હતું.

મુખ્યમંત્રીએ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જિતુભાઇ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને વાસ્મોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

પાણી પુરવઠા વિભાગના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 6 જિલ્લા, 68 તાલુકા અને 12910 ગામોમાં 100 ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે. જેમાં ગ્રામીણ ઘરોમાં 88.63 ટકા નળ જોડાણ અપાયા છે.

રાજ્યમાં ગયા વર્ષે 10.94 લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે. આ વર્ષે 10 લાખના લક્ષ્યાંક સામે 6.38 લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે. સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે જે 9.37 લાખ ઘર જોડાણો બાકી છે તે આગામી સપ્ટેમ્બર-2022 સુધીમાં પુરા કરવાના રહેશે.

મુખ્યમંત્રીએ પાણી પુરવઠાના ક્ષેત્રે સર્વાંગી વલણ માટે અને યોજનાઓના આયોજનમાં ઔદ્યોગિક જરૂરિયાત તથા શહેરી વિસ્તારોની જરૂરિયાતોનો સમાવેશ કરવા માટે પણ વિભાગને સૂચન કર્યુ હતું. આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે લોકભાગીદારી વધુ મજબૂત બને તે માટે તેમણે ભાર મુક્યો હતો. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાઓની મંજુરીની પ્રક્રિયા સરળ બનાવીને અમલીકરણમાં ગતિ લાવવામાં આવી છે.

Your email address will not be published.