ક્રિપ્ટોકરન્સીનાં ટ્રાન્ઝેકશન પર 1 જુલાઈથી ટીડીએસ ચુકવવો પડશે

| Updated: June 24, 2022 2:05 pm

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોએ 1 જુલાઈથી ટીડીએસ ચૂકવવો પડશે. તેમણે દરેક ટ્રાન્ઝેક્શન પર એક ટકા ટીડીએસ આપવો પડશે, પછી ભલે વેચાણથી નફો થયો હોય કે નુકસાન. ભારત સરકારે ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી. જો કે ક્રિપ્ટોકરન્સીની આવક પર 2022-23થી 30 ટકા ટેપીટલ ગેઇન ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે 1 જુલાઈથી ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શન પર પણ એક ટકા ટીડીએસ આપવો પડશે. જે રોકાણકારો નફા માટે ક્રિપ્ટોકરન્સી વેચતા ન હોય તેમણે પણ ટેક્સ ભરવો પડશે. જેથી સરકાર ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરનારાઓને શોધી શકે.

ક્રિપ્ટો વેચવા પર થયેલા નફા પર 30 ટકા ટેક્સ આપવો પડશે. નુકસાન થાય તો પણ એક ટકા ટીડીએસ ભરવો પડશે. જેનાથી ખબર પડશે કે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ક્યાં થયા છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવકવેરા 1961ની સૂચિત કલમ 115 બીબીએચની જોગવાઈઓ અનુસાર, વીડીએ (વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ)ના વેચાણથી થનારા નુકસાનને અન્ય વીડીએના વેચાણથી થતી આવક સામે સેટ-ઓફ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કલમ 115 બીબીએચ એ આવકવેરા કાયદાની નવી સૂચિત કલમ છે. તે ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચુઅલ ડિજિટલ સંપત્તિઓના લાભોને વ્યાખ્યાયિત કરે છે.

સીબીડીટીએ કહ્યું છે કે જો ખરીદનારે આવકવેરા કાયદાની કલમ 194એસ હેઠળ ટેક્સ કાપ્યો છે, તો વેચનારે તે જ વ્યવહાર પર તેને કાપવાની જરૂર રહેશે નહીં. 194એસ હેઠળ કપાત કરવામાં આવેલી કોઈપણ રકમ જે મહિનામાં કપાત કરવામાં આવી હોય તે મહિનાના અંત સુધી ૩૦ દિવસની અંદર કેન્દ્ર સરકારને ચૂકવવાની રહેશે.

આ ટ્રાન્ઝેકશન પર ટીડીએસ કાપવામાં આવશે નહીં

બાય, લિમિટ બાય, સીઆઈપી અને અર્નિંગ ઓર્ડર પર કોઈ ટીડીએસ લાગુ નહીં પડે. સીઆઇપી એ ક્વોન્ડિક્સ દ્વારા ઓફર કરવામાં આવતી ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનું સ્વરૂપ છે. તે એક પ્રકારનો બાય-ઇન ઓર્ડર પણ છે.

આ ટ્રાન્ઝેકશન પર ટીડીએસ લાગુ પડશે
સેલ અને લિમિટ સેલ ઓર્ડર પર 1 ટકા ટીડીએસ કાપવામાં આવશે. એક્સચેન્જે કહ્યું છે કે તમામ યૂઝર્સે એપ પર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે 1 જુલાઈ 2022ના રોજ અથવા તે પહેલા પોતાની કેવાયસી પ્રક્રિયા ફરજિયાત પૂરી કરવી પડશે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરતી વખતે, જો ભરવાપાત્ર આવકવેરા કપાત ટીડીએસ કરતા ઓછી હોય તો, 1 ટકા ટીડીએસનાં રિફંડ માટે દાવો કરી શકાય છે. એક્સચેન્જે કહ્યું છે કે તમામ ક્રિપ્ટો એસેટ્સનાં વેચાણ પર પણ 1 ટકા ટીડીએસ લાગુ પડશે.

Your email address will not be published.