દેશના ભવિષ્યના હાથમાં પેનના બદલે ઝાડું, અંકલેશ્વરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ કચરો સાફ કરાવ્યો

| Updated: July 5, 2022 7:30 pm

અંકલેશ્વરની એક શાળાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાળકો પાસે શિક્ષકો સાફ સફાઈ કરાવી રહ્યા છે. આ ઘટના શિક્ષણ જગતને શર્મસાર કરે છે. આ વીડિયો અંકલેશ્વરના જીતાલી ગામની શાળાનો હોવાનો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા શાળાના આચાર્યએ ખુલાસો પણ કર્યો હતો. તેઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ મોડા આવે છે તેઓને સફાઈ કરાવીને સજા આપવામાં આવે છે. તો બીજી બાજુ શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાની સફાઈ કામ કરવા માટે વારા બાંધવામાં આવે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના જીતાલી ગામે એક પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ શાળામાં 500 કરતા વધારે બાળકો અભ્યાસ કરે છે.

માતા પિતા તેમના બાળકોના ભવિષ્ય માટે ઘણી ચિંતા કરતા હોય છે અને તેઓના અભ્યાસને લઈ કોઈ પણ કસર છોડતા નથી. તો બીજી બાજુ બાળકોના ભવિષ્યની ચિંતા ન હોય તેવી રીતે શાળાના શિક્ષકો બાળકો પાસે સફાઈ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના હાથમાં પેન શોભે છે પરતું તેની જગ્યાએ ઝાડું જોવા મળી હતી. આ દ્રશ્યો જોઇ વાલીઓએ જોતા તેઓ ભારે રોષમાં ભરાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી કચરો અને વરસાદી પાણી ભરાયું છે તેનો નીકાલ કરાવવામાં આવી રહ્યો હતો. વિદ્યાર્થીઓ માન અને સન્માન સાથે શાળામાં શિક્ષણ મેળવી શકે તે જોવાની ફરજ આચાર્યની સાથે શિક્ષકોની પણ છે.

વીડિયો વાયરલ થતા ગામમાં ભારે ચકચાર જોવા મળી હતી. જેથી વીડિયોને લઈ તાલુકા શિક્ષણાધિકારી તરૂણ પટેલે જણાવ્યું હતું કે, જીતાલીની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવામાં આવતી હોવાનો વીડિયો મળ્યો છે. વીડિયોની ખરાઇ કરાવી યોગ્ય તપાસ કરવામાં આવશે. જો કોઇની બેજવાબદારી હશે તો તેની સામે પગલાં પણ ભરીશું.

Your email address will not be published.