ટેટ પાસ કરવા છતાં નોકરી નહીં, ઠાલા આશ્વાસન મળ્યાઃ વિદ્યાસહાયકોની ભરતીમાં અન્યાય કેમ?

| Updated: October 7, 2021 3:21 pm

2018 પછી ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારોની ભરતી નથી કરાઇ જેના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ પ્રદર્શન યોજ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

કપરા કોરોના કાળમાં બેરોજગારી જ્યારે અતિશય વધી રહી છે, ત્યારે સરકારનું પ્રાથમિક શિક્ષણ વિભાગ વિદ્યાસહાયકની ભરતીને લઈને ઠંડુ વલણ અપનાવે છે. તેથી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ધીરજની પણ પરીક્ષા લેવાય છે. અન્ય શિક્ષણ સંબંધિત ભરતી રાબેતા મુજબ ચાલી રહી છે ત્યારે આ ઉમેદવારોને સરકાર તરફથી ફક્ત આશ્વાસન મળતું રહ્યું છે.

2021 જાન્યુઆરીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 927 સહાયક પ્રધ્યાપકો અને 5700 સહાયક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી.

પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક બનવા માંગતા ટેટ પાસ કરેલા અંદાજે 50000 ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગાર છે. ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી કરવા માટે ટેટ પાસ શિક્ષિત ઉમેદવારો 40 વખત શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હાલ પ્રાથમિક શાળામાં અંદાજે 9 હજાર જેટલી જગ્યાઓ ખાલી છતાં 3 વર્ષથી ભરતી બંધ રાખવામાં આવી છે.

અગાઉ 2019માં પૂર્વ શિક્ષણ પ્રધાન પ્રાથમિક શાળામાં 3900 વિદ્યાસહાયકો ભરતી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે.

ગત મહિનામાં સરકારે ભરતી અંગેના પ્રશ્નોને લઈને કરેલી સ્પષ્ટમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2018માં લેવાએલ TET-1ના કુલ 6 હજાર 341 પાસ ઉમેદવારો સામે ફક્ત 52 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે.તે સાથે 2017માં લેવાએલી TET-2 ના કુલ 50 હજાર 755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3 હજાર 335 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે.

9 થી 12ની શિક્ષણ સહાયક ભરતી, કોલેજમાં પ્રાધ્યાપક ભરતી અને ધોરણ 1 થી 8ની અન્ય માધ્યમ વિદ્યાસહાયક ભરતી હાલમાં જ કરવામાં આવી છે.પરંતુ ગુજરાતી માધ્યમની 3300 ની વિદ્યાસહાયક ભરતી હજુ મુલતવી છે.

2021 જુલાઇમાં કેન્દ્ર સરકારે TET સર્ટિફિકેટની માન્યતાને 7 વર્ષથી વધારીને આજીવન કરી હતી અને જણાવ્યું હતું કે 2011 બાદ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે આ નિયમ લાગુ પડશે. શું રાજ્ય સરકાર આ આજીવન માન્યતાના અનુસંધાને ઉત્તીર્ણ થયેલા બેરોજગારોની કારકિર્દી બનતા પહેલા જ પતાવી રહી છે?

અવાર-નવાર આવતા આશ્વશનો અને નિવેદનોથી કંટાળેલ ઉમેદવારો વિરોધ કરવા ગયા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી. આ પ્રકરણ પર સરકારની પ્રતિક્રિયા અને પગલાં આ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.

Your email address will not be published. Required fields are marked *