સુરતમાં આયોજિત : ‘સ્માર્ટ સિટી સમીટ’માં હવામાંથી પાણી બનાવતું ‘એર ટુ વોટર’ મશીન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું

| Updated: April 19, 2022 6:06 pm

નીતિ આયોગના 2018 ના અહેવાલ મુજબ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ જેવા 21 શહેરો પાસે પોતાનું પીવાનું પાણી નથી, એટલું જ નહીં આજે અપૂરતા વરસાદના કારણે દેશનો 40 ટકા હિસ્સો દુષ્કાળનો સામનો કરી રહ્યો છે અને વર્ષ 2030 સુધીમાં વધતી વસ્તીના કારણે પાણીની માંગ બમણી થઈ જશે. એક સર્વે મુજબ વર્ષ 2007 થી 2017 વચ્ચે ભૂગર્ભજળના સ્તરમાં 61 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે પાણીની તંગી વચ્ચે આંધ્રપ્રદેશના હૈદરાબાદની ‘મૈત્રી એક્વાટેક’ કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે, જે હવામાંથી પાણી બનાવે છે. હાલ આ મશીન દુનિયાના 27 દેશોમાં લોકોની પાણીની જરૂરિયાતને પૂરી કરી રહ્યું છે. ..

મેઘદૂત બ્રાન્ડનેમ હેઠળ પ્રખ્યાત આ એર વોટર જનરેટરમાં 1 લિટર પાણી ઉત્પન્ન કરવાનો ખર્ચ માત્ર રૂ.1.50 થાય છે. સોલર પ્લેટ થકી સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે તો આ ખર્ચ ઘટીને 60 પૈસા થઈ જાય છે. વિજ્ઞાન મુજબ હાઈડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને છે, ત્યારે મેક ઈન ઇન્ડિયા અંતર્ગત વિકસિત કરવામાં આવેલું આ મશીન હવાને પાણીમાં પરિવર્તિત કરી નાંખે છે, જ્યાં દુષ્કાળની સમસ્યા અને ભૂગર્ભ જળ સમાપ્ત થઈ ગયું હોય એવા વિસ્તારો માટે ‘એર ટુ વોટર’ મશીન આશીર્વાદરૂપ બન્યું છે.

સુરતમાં આયોજિત ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમીટમાં હવામાંથી પાણી બનાવતું ‘એર ટુ વોટર’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ મશીન સ્માર્ટ સમીટના સ્થળે પણ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની મદદથી મહેમાનો, આમંત્રિતો માટે બે દિવસમાં 2946 લીટર પીવાનું શુદ્ધ પાણી જનરેટ કરી ચૂક્યું છે.

આ મશીન અંગે કંપનીના સી.ઈ.ઓ શ્રી નવીન માથુરે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે પીવાના શુદ્ધ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જે સમસ્યાનું નિવારણ લાવવા માટે એર વોટર જનરેટર બનાવ્યું છે. કોઈ એક પરિવાર, શાળા-કોલેજ, કંપની કે મોટા બિલ્ડીંગ માટે ફ્રિજના કદથી શરૂ કરી ક્ષમતા પ્રમાણે અમે એક ટ્રક જેટલી સાઈઝના મશીન નિર્માણ કરીએ છીએ. 6 થી 8 સભ્યોના પરિવાર માટે ફ્રીઝના કદનું આ મશીન દૈનિક પ્રતિ દિન 40 લિટર પાણી હવામાંથી બનાવે છે. જેની કિંમત રૂ.75 હજાર છે. આ મશીનનું આયુષ્ય 15 વર્ષનું છે. એક દિવસમાં 5000 લિટર પાણી ઉત્પાદિત કરતાં જનરેટરનું પણ અમે નિર્માણ કરીએ છીએ. જે રણ વિસ્તારો, દુર્ગમ પહાડી વિસ્તારો, સેનાના જવાનોના ફરજના સ્થળે એમને મદદરૂપ થાય છે.

આ મશીનની વિશેષતા એ છે કે ઈકોફ્રેન્ડલી એવું આ મશીન અવાજ કરતું નથી. તે પાણીના અન્ય કોઇ પણ સ્ત્રોત પર નિર્ભર નથી, પણ સ્માર્ટ ટેકનોલોજી વડે હવામાંથી જ શુદ્ધ પાણી બનાવી લે છે. આ મશીન વડે દરરોજ 2000 લીટર પાણી બનાવી શકાય છે. આ કંપની જરૂરિયાત મુજબ 2000 લીટરથી પણ વધુ ક્ષમતાના મશીનોનું ઉત્પાદન કરવાં માટે સક્ષમ છે. તે દરેક મોસમમાં કાર્યરત રહી શકે છે અને કોઇપણ જાતનો કચરો પેદા થતો નથી.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.