અમેરિકામાં ટ્રકમાંથી 46 પ્રવાસીઓના મૃતદેહ મળ્યાઃ મેક્સિકોથી થતી હતી માનવ તસ્કરી

| Updated: June 28, 2022 4:03 pm

અમેરિકામાં મેક્સિકોથી થતી માનવ તસ્કરીનો વધુ એક કરુણ ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. ટેક્સાસની અંદર એક ટ્રકમાંથી 46 પ્રવાસીઓના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયા શહેરમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યા હતા. આમ માનવ તસ્કરીના ભાગરૂપે તેમને ગેરકાયદેસર રીતે ટ્રક દ્વારા સરહદ પસાર કરાવવામાં આવી હતી.

હાલમાં બીજા 16ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમા કેટલાક બાળકો પણ છે. આ લોકોના મોત કઈ રીતે થયા તે હજી સુધી જાણવા મળ્યું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી વિગતો આપી નથી. સાન એન્ટોનિયા શહેર અમેરિકાના ટેક્સાસ રાજ્ય અને મેક્સિકોની સરહદથી 250 કિ.મી. દૂર છે. આ પ્રવાસીઓના મોત ટ્રકના કન્ટેનરમાં ગૂંગળાઈને થયા હોવાની શંકા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં મિસોરીમાં ટ્રેન અકસ્માતઃ ત્રણના મોત અનેક ઇજાગ્રસ્ત

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું હતું કે આ મોત ખુલ્લી સરહદની ઘાતક નીતિના લીધે થયા છે. એન્ટોનિયા શહેરમાં ઉનાળામાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીં તાપમાન 39 ડિગ્રી કરતા પણ વધુ હતું.

મેક્સિકોના વિદેશ પ્રધાન એબોર્ડે જણાવ્યું હતું કે હજી સુધી મૃતકોની નાગરિકતા અંગે કોઈપણ માહિતી અમને અમેરિકન સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી નથી. મેક્સિકોની સરહદેથી અમેરિકામાં ઘૂસનારા બધા મેક્સિકન જ હોય તેવું માની લેવાની પણ જરૂર નથી. અમેરિકામાં ઘૂસવા માટે ઘણા લોકો મેક્સિકોનો એક રુટ તરીકે ઉપયોગ કરે છે. જો કે મેક્સિકન દૂતાવાસના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લઈને મૃતકોની ઓળખ નિશ્ચિત કરવામાં મદદ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનો આ કંઈ પહેલો મામલો નથી. દર વખતે આવા ઘણા કેસો પ્રકાશમાં આવે છે. તેમા આ રીતે ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ઘણાના મોત થાય છે. થોડા સમય પહેલા જ ભારતમાં ગુજરાતના ડિંગુચા ગામનું આખું કુટુંબ આ રીતે કાળની ગર્તામાં હોમાઈ ગયું હતું. તેણે કેનેડાની સરહદથી ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને ઠંડીમાં તે સદંતર ઠરી ગયું હતું. ડીંગુચાના જ એક બીજા કુટુંબની આવી સ્થિતિ થઈ હતી, પણ તે સમયસર સારવાર મળતા બચી જવામાં સફળ રહ્યું હતું. અમેરિકા અને યુરોપમાં મોટાપાયા પર માનવ તસ્કરી થાય છે અને માનવ તસ્કરો તેના માટે જંગી રકમ વસૂલવા છતાં અમાનવીય માર્ગોનો ઉપયોગ કરે છે.

Your email address will not be published.