સુરતમાં કતારગામ ખાતે અજાણી વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર

| Updated: April 7, 2022 12:35 pm

અજાણી વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસનો મત

સુરતઃ ગૃહપ્રધાન હર્ષ સંઘવીના શહેર સુરતમાં કાયદો અને વ્યવસ્થા દિનપ્રતિદિન કથળી રહ્યું હોવાનું લાગે છે. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી છે. પોલીસને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે કોઈ વ્યક્તિની લાશ પડી છે.

પોલીસે તરત જ ઘટનાસ્થળે દોડી જઈને કાર્યવાહી કરી હતી અને લાશનું પંચનામુ કર્યુ હતું. આ લાશ કતારગામની લલિતા ચોકડી વિસ્તારમાંથી મળી આવી છે. આ લાશ એક દુકાનની જોડેથી મળી આવી હતી. આના પગલે પોલીસ આ વિસ્તારના લગભગ બધા દુકાનદારોની પૂછપરછ કરે તેમ માનવામાં આવે છે.

પોલીસ હજી સુધી તે વ્યક્તિની ઓળખ કરી શકી નથી. પોલીસનું સ્પષ્ટ માનવું છે કે આ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. પોલીસે વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. એક વખત પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી તે વ્યક્તિની હત્યા કઈ રીતે કરવામાં આવી છે અને કેટલા સમય પહેલા તેનું મૃત્યુ થયું છે તે સુનિશ્ચિત કરી શકાશે.

પોલીસે આ હત્યાનું કારણ શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. તેણે આસપાસના વિસ્તારોમાં આ વ્યક્તિની ઓળખ માટે સઘન તપાસ આદરી છે. તેની સાથે જીઆઇડીસી વિસ્તારોમાં પણ તેની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે એક વ્યક્તિની ઓળખ નિશ્ચિત થયા પછી આ દિશામાં તપાસ વધુ વેગ પકડી શકશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તપાસની દિશા નક્કી થશે તેમ પોલીસ કહે છે.

હાલમાં પોલીસનું મુખ્ય ધ્યેય તે વ્યક્તિની ઓળખ અને તેનું રહેઠાણ સુનિશ્ચિત કરવાનું છે. તેના પછી જ આ કેસની તલસ્પર્શી તપાસ થઈ શકશે તેમ કતારગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે પોલીસે હત્યાનો પ્રાથમિક ગુનો તો નોંધી જ લીધો છે. આ વ્યક્તિ અહીંની હતી કે બહારગામની હતી તે નક્કી કરવા પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અગાઉ પણ કેટલાક કિસ્સામાં એવું બન્યું છે કે બહારગામથી આવીને અહીં મજૂરી કરતા વ્યક્તિની હત્યા થઈ હોય. આવા કિસ્સામાં પોલીસે આ વ્યક્તિ જે રાજ્યનો હોય ત્યાંની પોલીસની મદદ લેવી પડે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો અહીં કામ કરવા આવતા હોવાથી તે કિસ્સામાં આવું વધારે બનતું હોય છે.

Your email address will not be published.