નરેશ પટેલનું ગુજરાતના નરેશ બનવાનું સ્વપ્ન કોંગ્રેસ હાઇકમાન્ડને ખાસ પસંદ ન આવ્યું

| Updated: April 14, 2022 2:40 pm

અમદાવાદઃ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું ગુજરાતના નરેશ બનવાનું સ્વપ્ન સાકાર થાય તેમ હાલમાં તો લાગતું નથી. કોંગ્રેસ હાઇકમાન્ડને નરેશ પટેલની પોતાને જ ગુજરાતના આગામી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવે તે વાત ખાસ પસંદ આવી નથી. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડ તેમના નામનો વિચાર કરવા તૈયાર છે, પણ હાલમાં અંતિમ નિર્ણય લેવાની ના પાડી દીધી છે. આના પગલે નરેશ પટેલે પણ કોંગ્રેસમાં જોડાવવા અંગે અને સક્રિય રાજકારણમાં ઝંપલાવવા અંગે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

આ સમગ્ર ઘટનાક્રમથી હાર્દિક પટેલ વાકેફ છે અને તેથી જ તેણે દબાણ ઊભું કરવા કોંગ્રેસ નેતાગીરી અનિર્ણાયકતાથી પીડાય છે તેવી વાત કરી છે. નરેશ પટેલને કોંગ્રેસ સાથે જોડાવવામાં કોઈ વાંધો જ નથી. રાજસ્થાનના કોંગ્રેસની સરકારના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર વચ્ચે આ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નરેશ પટેલે ગુજરાત કોંગ્રેસનો હવાલો પ્રશાંત કિશોરને સોંપી દેવા અને પોતાને મુખ્યમંત્રી પદના આગામી ચહેરા તરીકે રજૂ કરવામાં આવે તેવી વાત કરી હતી.

હવે રાહુલ ગાંધી અંગત રીતે પ્રશાંત કિશોરને પસંદ કરતા નથી. પણ પોતાની આ જિદ છોડવાથી નરેશ પટેલ જેવું મોટું માથુ ગુજરાત કોંગ્રેસમાં આવતું હોય તો તેમણે આના માટે તૈયારી દાખવી હતી. આમ નરેશ પટેલની બે જિદ છે એક તો પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસનો હવાલો સોંપાય, કોંગ્રેસ હાઇકમાન્ડને પટેલની આ વાત માનવામાં ખાસ નુકસાન દેખાયું નથી. પણ જ્યારે તેમણે પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની વાત કરી તો ચોંકી ગયુ.

કોંગ્રેસનું કહેવું છે કે તે પહેલા તો કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસને પછી સત્તા મળે અને તેના પછી તેમના નામ પર મુખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે વિચાર થાય, તે કંઈક યોગ્ય છે. પણ પક્ષમાં જોડાયા પહેલા જ આ પ્રકારની ખાતરી આપી દેવી કોંગ્રેસ હાઇકમાન્ડને ઉચિત લાગી નથી. તેથી નરેશ પટેલને પણ લાગે છે કે કોંગ્રેસ પાસેથી આવી ખાતરી જ મળતી ન હોય તો પછી તેમા જોડાવાય પણ કઈ રીતે. તેથી તેમણે હાલમાં રાજકારણમાં ઝંપલાવવામાં ઉત્સાહને બ્રેક મારી છે. નરેશ પટેલની બાબતને લઈને હાલમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડધામ વધી ગઈ છે. તેઓ આગામી ચૂંટણી પહેલા નરેશ પટેલનું ઓપરેશન પાર પાડવા ઉત્સુક છે. જ્યારે નરેશ પટેલને રાહ જોવામાં કોઈ વાંધો નથી.

Your email address will not be published.