સુરતઃ ભવિષ્યમાં તમે એવા રોડ બનતા પણ જોઈ શકો છો જેમા ડામર-કપચીને અલવિદા કહેવામાં આવી શકે છે. સુરતમાં ડામર-કપચી વગર સંપૂર્ણપણે સ્ટીલના સ્લેગથી ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવેલા રોડનું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્લેગ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા સ્ટીલ ઉત્પાદન વખતે પ્રાપ્ત થતી આડપેદાશ છે.
સુરતમાં આવા એક કિ.મી.ના છ લેનના રોડને એએમ-એનએસ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટમાંથી નીકળેલા લાખ ટન પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ રસ્તાને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીઆરઆરઆઇ) અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઓફ ઇન્ડિયા (સીએસઆઇઆર)ની લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે.
આ રોડના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંઘે જણાવ્યું હતું કે આ સીમાચિન્હરૂપ પ્રોજેક્ટ એએમ-એનએસ ઇન્ડિયાની રિસાયકલ અને રિયુઝની પ્રતિબદ્ધતાનું પરિણામ છે, જે પ્રશંસાપાત્ર છે. ભારતનો સ્ટીલ ઉદ્યોગ જેમ-જેમ વૃદ્ધિ પામતો જાય છે તેમ-તેમ ઔદ્યોગિક ઇનોવેશન તથા સરક્યુલર મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.
આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ઓમેને જણાવ્યું હતું કે સીઆરઆરઆઇના સહયોગથી એએમ-એનએસ ઇન્ડિયા માર્ગ નિર્માણમાં કુદરતી તત્વોનો વિકલ્પ અજમાવવાનું ગૌરવ અનુભવે છે. જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવે છે અને ખર્ચમાં સ્પર્ધાત્મક છે તથા કુદરતી સંસાધનો પરનો બોજ ઘટાડે છે. વેસ્ટ ટુ વેલ્થ અને ક્લિન ઇન્ડિયા ઝુંબેશના ભાગ તરીકે હાથ ધરાયેલો આ નવતર પ્રકારનો પ્રયાસ સરક્યુલર ઇકોનોમીમાં પ્રદાન કરે છે.
એએમ-એનએસ ઇન્ડિયાને તાજેતરમાં જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ તરફથી સ્ટીલ સ્લેગનો જથ્થો પૂરો પાડવાનો ઓર્ડર મળ્યો છે, જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) 36.93 કિ.મી.ના સુરત નજીક એના ગામથી કીમ સુધીના આઠ લેનના રોડ માટે આપવામાં આવ્યો છે. પ્રારંભિક ઓર્ડર એક લાખ ટન સ્ટીલના સ્લેગનો છે. 350 ટન સ્ટીલ સ્લેગનું પ્રથમ કન્સાઇનમેન્ટ ગયા સપ્તાહે રવાના કરાયું હતું.
હજીરામાં એએમ-એનએસ ઇન્ડિયાનો વાર્ષિક 9 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો સુસંકલિત પ્લાન્ટ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ, કોનાર્ક ફર્નેસિસમાં વીસ લાખ ટન સ્ટીલ સ્લેગ પેદા કરે છે. સ્ટીલ સ્લેગનો ઉપયોગ ઘણા સમયથી રોડ બનાવવા અને બાંધકામ ક્ષેત્રે કરવામાં આવતો હતો. પણ તેની ગુણવત્તા અને અસરકારકતાને મોનિટર કરાતી ન હતી. તેથી કેન્દ્રના સ્ટીલ મંત્રાલયે માર્ગ નિર્માણમાં સ્ટીલ સ્લેગના ઉપયોગ માટે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા પ્રોજેક્ટ એનાયત કર્યો હતો. હવે જો આ પ્રયોગ સફળ નીવડશે તો ભવિષ્યમાં હાઇવે બાંધકામ અને રોડ બાંધકામમાં મોટાપાયા પર તેનો ઉપયોગ થઈ શકે.