કોરોના ઓસરતા જ ગુજરાતીઓની પાસપોર્ટની માંગે વેગ પકડ્યો

| Updated: April 18, 2022 3:53 pm

અમદાવાદઃ કોરોના ઓસરવાના લીધે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ દૂર થવાના લીધે ગુજરાતીઓની વિદેશમાં ઉડાને પ્લેન જેવી જ ઝડપ પકડી છે. અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ આજે પાસપોર્ટની અરજીનો ખડકલો એટલો થયો છે કે તેણે રજાના દિવસે પણ કામ કરવું પડી રહ્યું છે.

તાજેતરમાં એકલા માર્ચ મહિનામાં જ 56 હજારથી વધારે પાસપોર્ટની અરજીઓ આવી છે. આના લીધે પરિસ્થિતિ એવી આવી છે કે પાસપોર્ટ કચેરીએ રજાના દિવસે પણ કામ કરવું પડી રહ્યું છે.

આ પહેલા અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને કોરોના કાળમાં માર્ચ 2020માં લગભગ 35 હજાર પાસપોર્ટ અરજી મળી હતી. માર્ચ 2021માં  આંકડો કોરોનાકાળ પૂર્વે માર્ચ 2019માં 55 હજારનો હતો.  જો કે કોરોના ઓસરતા અને વિદેશની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ દૂર થતાં ફક્ત અમદાવાદમાં જ નહી પણ સમગ્ર દેશમાં પાસપોર્ટની માંગમાં ધરખમ ઉછાળો આવ્યો છે.

કોરોનાના લીધે વિદેશમાં પોતાના સંબંધીઓને મળવા જઈ ન શકનારાઓએ હવે દોટ લગાવતા પાસપોર્ટ માટે અરજી કરવા માંડી છે. આ ઉપરાંત બે વર્ષથી પ્રતિબંધ હોઈ ક્યાંય બહાર ન ગયા હોવાના લીધે ઉનાળુ વેકેશન માટે પણ લોકો વિદેશ પર પસંદગી ઉતારી રહ્યા હોવાથી પાસપોર્ટની માંગમાં વધારો થયો છે. તેની સાથે વધુને વધુ વિદ્યાર્થીઓ પણ વિદેશમાં અભ્યાસાર્થે અથવા તો કોર્સ કરવા જઈ રહ્યો હોવાના લીધે પણ પાસપોર્ટની અરજીઓની માંગ વધી છે. દેશમાં માર્ચ 2022માં કુલ લગભગ 13 લાખ જેટલી અરજી આવી હતી તેમાથી 40 ટકા અરજીઓ તો વિદ્યાર્થીઓની જ હતી.

અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ દૈનિક ધોરણે 1500થી 1800 જેટલી અરજીઓનો નિકાલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાદેશિક પાસપોર્ટ કચેરીના આંકડા મુજબ જાન્યુઆરીમાં પાસપોર્ટની 39000 અરજી મળી હતી. આ આંકડો વધીને ફેબ્રુઆરીમાં 45 હજારને પણ વટાવી ગયો હતો. જ્યારે માર્ચમાં તે 56 હજારને વટાવી ગયો હતો.

અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2019માં લગભગ 57 હજાર અને 53 હજાર અરજીઓ પ્રાપ્ત થઈ હતી. પાસપોર્ટની અરજીઓનો આ આંકડો એપ્રિલમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી જાય તેમ માનવામાં આવે છે, કારણ કે પછી મે મહિનામાં વેકેશન આવે છે.

Your email address will not be published.