ડીજીસીએ રાત્રે તમામ વિમાનોની કેબીનની તપાસ કરશે

|Gujarat | Updated: May 5, 2022 2:05 pm

નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી અથવા તો જુના વિમાનો ધરાવતી એરલાઇન્સનાં તમામ વિમાનોની હવે જયારે તે રાતે દેશના મુખ્ય એરપોર્ટ પર પાર્ક કરવામાં આવે ત્યારે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દરેક વિમાનની સંપૂર્ણ તપાસ માટે તેની ટીમોને મોકલશે, જેમાં તૂટેલા હેન્ડ રેસ્ટ, ભોજનના ટેબલ, બારીના કાચ અને ફાટેલી સિટ વિશે અનેક ફરિયાદો ઉઠતી હોય છે.

એક સિનિયર રેગ્યુલેટરી અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાનની કેબિનોમાં આવી ખામીઓ સલામતીને સંભવિત અસર કરી શકે છે – જેમ કે ખરાબ હવામાનમાં વિમાન ઝટકાં ખાતું હોય ત્યારે મુસાફરોને નુકસાન પહોંચાડી શકે છે.આવા વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવશે અને ખામીઓને સુધારવામાં આવ્યા પછી જ ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે. આ તપાસ નિયમિત એન્જીનિયરિંગ ઇન્સપેકશન ઉપરાંતની હશે.

તેની શરૂઆત ડીજીસીએ દ્વારા તાજેતરમાં જ બેંગલુરુમાં સ્પાઇસ જેટ બોઇંગ 737 અને ત્યારબાદ કોલકાતામાં એર ઇન્ડિયા એરબસ એ320ને ગ્રાઉન્ડેડ કરવાની સાથે કરવામાં આવી હતી, જ્યારે મુસાફરોએ ખામીઓ અંગેનાં ફોટા ટ્વીટ કર્યા હતા. એરલાઇન્સને વિમાનમાં રિપેરિંગ પછી જ ફરીથી ઉડાન ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, હવે અમે રાત્રે વિમાનો પાર્ક કરવામાં આવે ત્યારે નિયમિત ધોરણે તપાસ કરીશું. જો સલામતીને અસર કરી શકે તેવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે, તો એરલાઇન્સ ખામીઓ દૂર ન કરે ત્યાં સુધી વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવશે.

ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે, અમારી તપાસ ચાલું છે.અમે લગભગ અડધા કાફલાને (સ્પાઇસ જેટના 70 વિમાનોમાંથી) આવરી લીધો છે. જે ખામીઓ છે તે શોધવામાં આવી રહી છે અને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોઈપણ સલામતીની ખામીવાળા વિમાનને ઉડાન ભરવા દેવાશે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક સમયમાં વસ્તુઓમાં સુધારો થશે.

લો-કોસ્ટ સ્પાઇસ જેટથી ઔપચારિક કવાયત શરૂ થઈ ગઈ છે. બજેટ કેરિયરના પ્રમોટર અજયસિંહે બુધવારે ડીજીસીએ અરુણ કુમાર અને તેમના ડેપ્યુટી અને સેફ્ટીના વડા મનીષ ચોપડા સહિત ડીજીસીએના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટને સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે સલામતીની બાબત સૌથી મહત્વની છે અને તે માટે તેમણે ખર્ચ કરવાની જરૂર છે. સલામતી સાથે સમાધાન કરાશે નહીં. સ્પાઈસ જેટના 70 વિમાનોને ચેક કરવામાં આવ્યા બાદ ડીજીસીએની ટીમો પોતાનું ધ્યાન અન્ય એરલાઈન્સ પર કેન્દ્રિત કરશે. જેમાં નબળી નાણાકીય સ્થિતિ ધરાવતી એરલાઇન્સ તેમજ જુના વિમાનો હોય તેવી એરલાઇન્સમાં સૌથી પહેલા તપાસ હાથ ધરાશે.

આ કામગીરીના ભાગરુપે કેટલાક વિમાનોને કેટલોક સમય માટે ગ્રાઉન્ડ કરવા પડશે અને તેના લીધે કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ શકે છે, પરંતુ મુસાફરોની સલામતી માટે પગલાં લેવા અત્યંત જરુરી છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
ભૂતકાળમાં, ડીજીસીએ જ્યારે કોઈ ચોક્કસ એરલાઇન કે કંપનીઓ ગંભીર નાણાકીય તકલીફમાં હોય ત્યારે હતી ત્યારે ફાયનાન્સિયલ ઓડિટ કરાવતી હતી. જેમકે કિંગફિશરે 2010માં આ કવાયત હાથ ધરી હતી. 2019ના અંત પહેલા ઈન્ડિગોને બાદ કરતાં કોઈ પણ ભારતીય કેરિયર્સ નાણાકીય રીતે મજબુત ન હતી. કોરોનાનાં કારણે તમામ એરલાઇન્સને મોટો ફટકો પડયો હતો. જેમાં 2020ની શરૂઆત સુધી સતત નફો કરતી એરલાઇન ઇન્ડિગોને પણ ભારે નુકસાન થયું હતું.

આજે દરેક એરલાઇન્સની નાણાકીય સ્થિતિ નબળી છે. માત્ર થોડીક જ એરલાઇન્સ રોકડ ધરાવતાં સમૃદ્ધ ગ્રુપનો ભાગ છે (જેમ કે ટાટા પાસે હવે ઘણી એરલાઇન્સ છે). નાણાકીય ઓડિટથી એ વસ્તુ જ બહાર આવશે જે પહેલેથી બધા જાણે છે.આ રોગચાળાના સંજોગોમાં વધુ સારો વિકલ્પ તમામ એરલાઇન્સ અને વિમાનોને સ્કેનર હેઠળ લાવવાનો છે તેમ એક જાણકાર વ્યકિતએ જણાવ્યું હતું.

Your email address will not be published.