હાલોલ તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓની સ્થિતિ ખરાબ
હાલોલઃ સરકાર એકબાજુએ વાંચે ગુજરાત અને ભણશે ગુજરાતના દાવા કરે છે પણ બીજી બાજુએ સરકારી શાળાઓની સ્થિતિ જોઈએ તો સરળતાથી સમજાઈ જાય કે આમા ગુજરાત વાંચશે ક્યાંથી અને ભણશે ક્યાંથી.
સરકારી શાળાઓ અને તેમા પણ હાલોલ જેવા તાલુકામાં રામશેરાના આદિવાસી પંથકમાં આવેલી શાળાઓની જર્જરિત સ્થિતિ જુઓ તો એમ લાગે કે આ શાળાઓ સરકારના શિક્ષણ વિભાગ પાસે નહીં પણ પુરાતત્વવિભાગ પાસે હોવી જોઈએ. કેટલીક શાળાઓને પોતાનું બિલ્ડિંગ નથી અને કેટલીક શાળાઓ છે તો એટલી જર્જરિત સ્થિતિમાં છે કે વિદ્યાર્થીઓ તો ઠીક પણ શિક્ષક અંદર બેસતા પણ ડરે છે.
આટલું ઓછું હોય તેમ સરકારની સરકારી શાળાઓ ઓછી કરવાની નીતિના લીધે આ વિસ્તારમાં ઉપલા વર્ગોની શાળાઓ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ પાંચ ધોરણ પછી અભ્યાસ છોડવા લાચાર છે. આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી અને નાયકોની વસ્તી છે. હાલમાં તો એકથી પાંચ ધોરણની શાળા જ સમાજ ઘરમાં ચાલી રહી છે. આ શાળા પણ આદિવાસીઓની જર્જરિત થઈ ગયેલી સ્થિતિ જેવી જ છે. તેની છતમાંથી પોપડા ખરે છે અને તેના લીધે બાળકોને ઇજા થવાનો ડર રહે છે.
લગભગ 35 જેટલા વિદ્યાર્થીઓને ભણવા માટે મૂળભૂત સગવડો નથી તો પછી બીજી સગવડોની તો વાત જ ક્યાં કરવી. ફક્ત આટલું જ નહી શાળામાં અભ્યાસ કરવા આવનારા બાળકો માટે નથી પીવાના પાણીની સગવડ કે શૌચાલયની પણ સગવડ નથી. આ જ વિસ્તારની અન્ય એક શાળાની વાત કરીએ તો તેના જર્જરિત મકાનના લીધે તે શાળાના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી સ્કૂલની બહાર બેસી અભ્યાસ કરી રહ્યા છે. અહીં ભણતા સીત્તેર વિદ્યાર્થીઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ શાળાનું પોતાનુ મકાન જ નથી. જૂના અને જર્જરીત ઓરડાઓ પાડી દેવાયા છે. બચેલા બે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તે સ્થિતિમાં છે.
શાળા પાસે ત્રણ વર્ષથી વર્ગખંડ જ ન હોવાથી શિક્ષકો બાળકોને લઈને ખુલ્લામાં વૃક્ષની નીચે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. કેટલાક મજાકને તેને ગુરુકુળ શિક્ષણ અથવા તો પ્રકૃતિના ખોળે મળતું શિક્ષણ પણ કહે છે. ચોમાસા બેસવાની તકલીફ પડતા બાળકોને ગ્રામ પંચાયતમાં બેસાડી શાળા ચલાવવામાં આવે છે. આમ હાલોલના અનેક અંતરિયાળ ગામડાઓની પ્રાથમિક શાળાઓ પ્રાથમિક સગવડોના અભાવે ખંડેર જેવી સ્થિતિમાં છે.
રાજ્ય સરકાર આદિવાસીઓ અને નાયકોના ઉત્થાન માટે હજારો કરોડ રૂપિયા બજેટમાં ફાળવવાની જાહેરાત કરે છે, પણ આદિવાસી બાળકો શિક્ષણ માટે રઝળપાટ કરી રહ્યા છે. સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર સાથે ચલાવવામાં આવતા સર્વશિક્ષા અભિયાન હેઠળ અનેક શાળાઓ પ્રાથમિક સગવડોથી સજ્જ કરવામાં આવી છે તો હાલોલના અંતરિયાળ ગામડાઓએ શું ગુનો કર્યો છે તેનો જવાબ તેઓ માંગે છે. ફક્ત આદિવાસી અને નાયક છે અથવા તો અવાજ ઉઠાવવાની ક્ષમતા નથી કે પ્રતિનિધિત્વ નથી તે જ અમારી નબળાઈ છે. સરકાર આમને શું જવાબ આપશે અને તેમની શું કાળજી લેશે.