સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ આઠમાં દિવસમાં પ્રવેશી

| Updated: June 16, 2022 4:37 pm

અમદાવાદઃ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ હોસ્પિટલ આઠમાં દિવસમાં પ્રવેશી છે. આ ડોક્ટરોમાં વિદેશથી અભ્યાસ કરીને આવેલા ડોક્ટરો પણ સામેલ છે. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળમાં વિદેશથી આવેલા ડોક્ટરો પણ જોડાયા છે. આ ઉપરાંત સિવિલમાં ઇન્ટર્નશિપ માટે આવેલા ડોક્ટરો પણ આંદોલન કરી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલના લગભગ 1,100થી વધુ ડોક્ટરો સ્ટાઇપેન્ડની માંગને લઈને હડતાળ પર છે. તેઓ બી.જે. મેડિકલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવાના છે. શ્રદ્ધાંજલિ પૂરી થયા પછી ડોક્ટરો વિરોધ પ્રદર્શનનના ભાગરૂપે મુંડન કરાવવાના છે. રાજ્યભરની છ મેડિકલ કોલેજમાં હડતાળ છે. ડોક્ટરોની હડતાળના લીધે સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા આજે પણ ઠપ્પ રહી હતી. બી.જે. મેડિકલ કોલેજ ખાતે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ડોક્ટરોએ સરકારને 24 કલાકનું આખરીનામુ આપ્યું હતું. આમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય ન લેતા તેઓએ હડતાળ જારી રાખવાનો નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો છેલ્લા છ દિવસથી સ્ટાઇપેન્ડમાં વધારાની માંગને લઈને હડતાળ પર છે. ડોક્ટરોની હડતાલના લીધે દર્દીઓની સ્થિતિ કથળી રહી છે. તેમા પણ તાત્કાલિક સારવાર વિભાગમાં તો સ્થિતિ વધુ કથળી છે.

હડતાળ ઉપર ઉતરેલા ડોક્ટરોનું કહેવું છે કે અમે કોવિડ દરમિયાન સરકારને પૂરેપૂરો સહકાર આપ્યો હતો અને અમારી ક્ષમતા બહાર જઈને પ્રદાન કર્યુ હતુ જેથી આરોગ્ય સેવા પડી ન ભાંગે. તે સમયે સરકારે પણ અમને વચન આપ્યું હતું કે તેમની માંગો માની લેવામાં આવશે અને તેના પર પૂરેપૂરો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હવે કોરોના ગયો તો જાણે સરકારને અમારી સેવાનું કોઈ મૂલ્ય જ લાગતું નથી. તે અમારા સ્ટાઇપેન્ડમાં વધારો કરવા જેવી માંગનો પણ યોગ્ય પ્રતિસાદ આપતી નથી. અમે તેના પગલે કેટલીય વખત હડતાળ પાછી ઠેલી પણ સરકાર અમારું કશું સાંભળવા તૈયાર લાગતી જ નથી. આ સ્થિતિમાં અમારે પણ હડતાળ પર ઉતરવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો ન હતો. દર્દીઓને પડતી તકલીફનું અમને ઘણું દુઃખ છે, પરંતુ અમારા પ્રશ્નો પણ હકીકત છે. સરકાર અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે તે અમારી માંગ છે. અમારા પ્રશ્નો ઉકેલાય તો અમે તાત્કાલિક અસરથી કામ પર આવવા તૈયાર છીએ.    

Your email address will not be published.