ઇન્ટરનેશનલ માફિયા સુધી પહોંચ્યા બોપલ ડ્રગ્સકાંડના છેડા

| Updated: June 30, 2022 4:56 pm

બોપલ ડ્રગ્સ કાંડના છેડા આંતરરાષ્ટ્રીય માફિયા સુધી પહોંચ્યા છે. બોપલ ડ્રગ્સ કાંડની તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સ અમેરિકાથી લાવવામાં આવી રહ્યુ છે. તેની તપાસ બાદ બોપલ ગ્રામ્ય પોલીસે એનસીબી દિલ્હીને વચ્ચે રાખીને તમામ રિપોર્ટ એફબીઆઇ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને મોકલી આપ્યો છે. વિદેશમાંથી 100 જેટલા ડ્રગ્સ માફિયા ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા તેની માહિતી મોકલી દેવાઈ છે. હવે એફબીઆઇ આ લોકોની તપાસ કરી રહી છે. આમ તેમા અનેક નવા ફણગા ફૂટવાની સંભાવના સેવાઈ રહી છે.

પોલીસે આરોપીઓના તમામ ઇ-મેઇલ અને અન્ય મોબાઇલ તથા લેપટોપ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી. તેના પછી 100 જેટલા ડ્રગ્સ માફિયાઓના નામ સામે આવ્યા હતા. હવે એફબીઆઇ આ ડ્રગ્સ માફિયાની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગયા નવેમ્બરમાં ડાર્ક વેબ દ્વારા એર કાર્ગોની મદદથી અમેરિકા સહિતના દેશોમાંથી મંગાવવામાં આવતા ડ્રગ્સ કન્સાઇનમેન્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમા વંદિત પટેલ સહિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 200 જેટલા જુદા-જુદા ડ્રગ્સ પેકેટ જપ્ત કર્યા હતા. પોલીસે આ કૌભાંડમાં 200 જુદા-જુદા અલગ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા હતા. તેમા એમ.ડી., ચરસ, ગાંજો અને કોકેઇન મુખ્ય હતા.

પોલીસ પૂછપરછમાં વંદિત પટેલે કબૂલ્યુ હતું કે તેણે છેલ્લે મંગાવેલા 25 હજાર યુએસ ડોલરનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીમાં કર્યુ હતું. આ પેમેન્ટ કોને ચૂકવ્યુ તેના પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે. પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અનેક ખૂટતી કડીઓ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. અમદાવાદ રુરલ પોલીસના વડા એસપી વીરેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ આ ડ્રગ્સ રેકેટ 2012થી ચાલતુ હોવાની સંભાવના છે.

વંદિતે સાઉથ બોપલ વિસ્તારમાં રેક્સોન સલૂન ચાલુ કર્યુ ત્યારથી તે સોફ્ટ ટાર્ગેટ શોધતો હતો. તેને તેણે ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યુ હતુ. તેમા તેને અઢળક કમાણી દેખાઈ હતી. અગાઉ વંદિત સીંગાપોર ભણવા ગયો તે પહેલા પણ તે ચરસ ગાંજાનો નશો કરતો હતો. તે સામેવાળાને રસ પડે તો ઇન્ટરનેશનલ ડ્રગ્સ અંગે વાત કરતો અને સોફ્ટ ટાર્ગેટ દેખાય તો તેને ફસાવતો હતો. પહેલા ટેસ્ટિંગ માટે સામેવાળાના ડ્રગ્સ આપતો અને પછી ડીલ કરતો હતો. વંદિત સાથે અમદાવાદ સહિત વલસાડના પણ ડ્રગ ડીલર જોડાયેલા હતા. તે ગુજરાતમાં હાઇપ્રોફાઇલને ડ્રગ્સ પૂરુ પાડતો હતો.

વંદિત સપ્લાયર સાથે સ્નેપ ચેટથી વાત કરતો હતો જેમા અમુક સમય પછી ચેટ આપમેળે અદ્રશ્ય થઈ જાય છે. આમ તેનું કામ સરળતાથી થઈ જતું હતું. તેના પછી તે એર કાર્ગોથી ડ્રગ્સ મંગાવતો હતો. તે દક્ષિણ ભારત અને મુંબઈથી પણ ડ્રગ્સ મંગાવતો હતો. વંદિત એકદમ સ્માર્ટલી ઓપરેટ કરતો હતો. તે ડ્રગ્સ પાર્સલ રિક્ષાવાળા સાથે છોડાવતો હતો. તે માટે રીક્ષાવાળાને પણ સારી એવી રકમ ચૂકવતો હતો.

Your email address will not be published.