અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાની ઘટના સામે આવ્યા બાદ ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ગામનું એક દંપતી પોતાના બે સંતાનો સાથે 10 દિવસ પહેલા કેનેડા ગયું હતું અને છેલ્લા ત્રણ દિવસથી તેમને કોઇ જ સંપર્ક થઇ શકયો નથી, જેને પગલે જોગાનુજોગ ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજીતરફ આ અંગે પરિવારજનો દ્રારા વિદેશ મંત્રાલયમાં પણ જાણ કરવામાં આવી છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે.10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી,પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમને સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનો દ્રારા જાણવા મળી રહ્યું છે.

બીજીતરફ અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આજ સવારથી આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જગદીશભાઇ,તેમની પત્ની, અને પુત્ર તેમજ પુત્રી 10 દિવસ અગાઉ કેનેડા ગયા હતા. આ સમાચારને પગેલ સ્થાનિક ટીડીઓ, અને કલેકટર પણ તેમના ઘરે તપાસ માટે પહોંચી ગયા હતા પરંતુ બળદેવભાઇ પટેલના ઘરે તાળું હોવાથી આસ-પાસના લોકોની પુછપરછ કરી તેઓ પરત ફરી ગયા હતા. આ અંગે હાલમાં પરિવારજનો દ્રારા ફોરેન મિનિસ્ટ્રીમાં પણ જાણ કરવામાં આવી છે. કારણ કે, જે મોતના સમાચાર આવ્યા તે આ પરિવારના સભ્યો છે કે કેમ તે અંગે કોઈ જ સ્પષ્ટતા મળી નથી.