નિકોલમાં મારી બહેન સાથે ફરે છે કહીને બે દિકરાના પિતાને યુવતીના ભાઇઓએ માર માર્યો

| Updated: April 4, 2022 8:09 pm

ભાઇના સાગરીતોએ મળી છરીનો ઘા માર્યો, ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યો

અમદાવાદ,
નિકોલમાં રહેતી યુવતીએ તેના મિત્રને ફોન કરીને ઉછીના પૈસા માગ્યા હતા. પૈસા આપવા આવેલા આધેડના યુવતીના ભાઇઓ પ્રેમી સમજી બેઠા હતા અને મારી બહેન સાથે ફરે છે કહીને ઢોર માર માર્યો હતો. યુવતીના ભાઇ અને તેના સાગરીતોમાંથી એક શખસે છરી મારી દીધી હતી. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

શહેરના નિકોલ વિસ્તારમાં 48 વર્ષિય રાજુભાઇ ગોહિલ પોતાના બે બાળકો સાથે રહે છે અને સીલાઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે રાજુભાઇ ઘરે હાજર હતા ત્યારે તેમને દોઢ વર્ષથી ઓળખતી રોશી(નામ બદલ્યું છે)એ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, મને ઉછીના પૈસા જોઇએ છે તમે આપો. જેથી રાજુભાઇએ પૈસા આપવાની હા પાડી હતી. રોશીએ જણાવ્યું હતું કે, હું પૈસા લેવા તમારા ઘરે આવી શકું તેમ નથી તમને ખોડિયારનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવી પૈસા આપી જાઓ. જેથી રાજુભાઇ પૈસા આપવા ખોડિયારનગર બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા. રાજુભાઇ પહોચ્યા તે પહેલા જગ્યા પર રોશી હાજર હતી. જેથી તેને મળી રાજુભાઇ પૈસાની વાતચીત કરી રહ્યા હતા. રોશીના મોટા બાપુજીનો દિકરો ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, તુ મારી બહેન સાથે ફરે છે. આટલું કહ્યા બાદ તે ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન બે અન્ય યુવકો પણ ત્યાં આવી ગયા હતા. ત્રણેએ ભેગા થઇને રાજુભાઇને ઢોર માર માર્યો હતો. આ સમયે એક વ્યક્તિએ છરી કાઢી રાજુભાઇના પગ પર મારી દીધુ હતુ. જેથી રાજુભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો પણ આવી ગયા હતા. રાજુભાઇને મહિના ભાઇએ ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો છે પરંતુ ફરીથી રસ્તામાં ક્યાંય મળ્યો તો જીવતો નહીં જવા દઉં. લોહીલુહાણ હાલતમાં રાજુભાઇને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

Your email address will not be published.