સરકાર એક લાખ કરોડની ભરપાઈ ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર ટેક્સ લાદી કરશે

| Updated: July 2, 2022 1:19 pm

કેન્દ્ર સરકારે ક્રૂડના ઊંચા ભાવના પગલે ટેક્સમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગ્રાહકોને રાહત આપી હતી. આના લીધે કેન્દ્ર સરકારને પોતાને આવકમાં એક લાખ કરોડની ઘટ પડી હતી. સરકાર આ ઘટ હવે ક્રૂડના સ્થાનિક ઉત્પાદન પર વેરો લાદીને કરશે.

સરકારે ક્રુડ ઓઇલના સ્થાનિક વેચાણને અંકુશમુક્ત કર્યાના 48 કલાકમાં જ વિન્ડફોલ ટેક્સ અને નિકાસ સેસ લાદીને નિર્ણય લીધો છે. સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાના ભોગે કેટલીક ખાનગી કંપનીઓએ વિદેશમાં નિકાસ કરી અસાધારણ નફો કરતા કેન્દ્રને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ સાથે સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પર પ્રતિ ટન 23,250 રૂપિયાનો વધારાનો વિન્ડફોલ ટેક્સ નાખ્યો હતો. હવે ગયા વર્ષે સ્થાનિક સ્તરે થયેલા લગભગ ત્રણ કરોડ ટનના ક્રૂડના ઉત્પાદનને ધ્યાનમાં લઈએ તો સરકારને આ વિન્ડફોલ ટેક્સથી 66000 કરોડની આવક થશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે પેટ્રોલના રિટેલ ભાવમાં આપેલી રાહતની વસૂલી તેની નિકાસ પર વેરો નાખીને કરશે.

સરકારે પેટ્રોલ અને વિમાનમાં ઉપયોગમાં લેવાતા ઇંધણની નિકાસ પર પ્રતિ લિટર 6 રૂપિયા અને ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર 13 રૂપિયાનો વેરો લાદ્યો છે. તેનો અમલ પહેલી જુલાઈથી શરૂ પણ થઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રોસનેફ્ટ દ્વારા નિયંત્રિત નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓ સ્થાનિક બજારમાં પુરવઠો પૂરો પાડવાના બદલે વિદેશી બજારમાં તેની નિકાસ કરતી હતી. સરકારે આ રોકવા માટે તેની નિકાસ પર ટેક્સ લાદ્યો છે. તેનો હેતુ સ્થાનિક પેટ્રોલ પમ્પો પર સપ્લાય વધારવાનો છે. હાલમાં ખાનગી રિફાઇનરીઓ સ્થાનિક સ્તરે ઇંધણ વેચવા કરતા નિકાસ કરવાનું વધારે પસંદ કરે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ સામે સ્થાનિક સ્તરે તેના ભાવ નીચા છે. તેથી ઓએમસી ભારે ખોટ કરી રહી છે. દેશના કેટલાક ભાગોમાં ડીઝલની અછત છે અને ક્રૂડ ઓઇલની પડતર મોંઘી થતા સ્થિતિ વધુ બગડી શકે છે.

આંતરરાષ્ટ્રીય ભાવના આધારે ક્રૂડ ઓઇલ, એટીએફ અને ડીઝલ પર લાદવામાં આવેલા નવા ટેક્સની દર પખવાડિયે સમીક્ષા કરવાની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરી હતી. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે અમે નિકાસ રોકવા માંગતા નથી, પણ સ્થાનિક સ્તરે પણ પુરવઠો ઉપલબ્ધ હોવો જોઈએ. કંપનીને કોઈપણ રોકાણ કર્યા વગર કે વિશેષ નિપુણતા વગર કે નવીનતા વગર બજારની સાનુકૂળ સ્થિતિના આધારે અસાધારણ નફો થાય ત્યારે સરકાર તેના પર જે વેરો નાખે તેને વિન્ડફોલ ટેક્સ કહેવાય છે.

Your email address will not be published.