સપ્તકમાં પંડિત હરિ પ્રસાદ ચૌરસિયાનો જાદુ છવાયો

| Updated: January 6, 2022 5:05 pm

84 વર્ષની ઉંમરે પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા શારીરિક રીતે નબળા દેખાય છે, પરંતુ જ્યારે વાંસળી વગાડવાનું શરુ કરે ત્યારે તેમનાંમાં જાણે એક અનોખી ચેતનાનો સંચાર થાય છે.બુધવારે સપ્તક સંગીત સમારોહનાં પાંચમા દિવસે ભારતીય શાસ્ત્રીય સંગીતના આ દિગ્ગજ કલાકારે રાગ મારુ બિહાગ છેડીને લગભગ એક કલાક સુધી ગજબનો જાદુ સર્જ્યો હતો.

થોડા સમય માટે લાગતું હતું કે કમોસમી વરસાદ કાર્યક્રમમાં વિક્ષેપ પાડી શકે છે. એલડી આર્ટસ કૉલેજમાં બાંધવામાં આવેલો શમિયાણો ઝરમર વરસાદ રોકી શકે તેવો ન હતો અને ઘણાં શ્રોતાઓ તેનાથી બચવા જગ્યા શોધી રહ્યા હતા.જોકે આ બધાથી બેખબર પંડિતજી આંખ બંધ કરીને વાંસળીનાં સૂર રેલાવી રહ્યા હતા. થોડી વારમાં બધા પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા હતા.

પંડિત હરિપ્રસાદ ચોરસિયાએ જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવો દિવસ જોઇશ જ્યારે દરેક વ્યક્તિએ તેમના ચહેરાને આ રીતે ઢાંકીને ફરવું પડશે. પરંતુ હું મારો ચહેરો ઢાંકવાનો નથી, હું તમારા માટે સંગીત રજુ કરીશ. પંડિતજીની સાથે તબલા પર રામકુમાર મિશ્રા અને વાંસળી પર ત્રણ પ્રતિભાશાળી યુવાનોએ સંગત કરી હતી.

તે પહેલા રતન મોહન શર્મા અને રામકુમાર મિશ્રાએ તબલાંવાદન રજુ કર્યું હતું હેમંત ભટ્ટે પખવાજ પર અને નિલય સાલ્વીએ હાર્મોનિયમ પર સંગીતનાં સૂર રેલાવ્યા હતા. રતન મોહન શર્મા સ્વર્ગસ્થ પંડિત જસરાજના શિષ્ય છે (પંડિત જસરાજનું ઓગસ્ટ 2020 માં અવસાન થયું હતું અને આ સપ્તક સમારોહ તેમને સમર્પિત છે). તેમણે રાગ પુરિયાના સાથે પ્રારંભ કર્યો હતો અને  હવેલી સંગીત રજુ કર્યું હતું.

આ પ્રસંગે સપ્તક મ્યુઝિક સ્કૂલના સ્થાપક પંડિત નંદન મહેતાના પત્ની સિતારવાદક મંજુબેન મહેતાએ પંડિત જસરાજ સાથેનાં સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે સાણંદમાં પંડિત જસરાજને તેમના પતિ નિયમિતપણે તબલા પર સાથ આપતા હતા. આ મિત્રતા 50 વર્ષ જૂની છે.અમે જસરાજજીના ઘરાનાને તેમના વિદ્યાર્થીઓ દ્વારા આગળ વધારવા માંગીએ છીએ.

સાંજે સપ્તકની શરુઆત અમદાવાદના અમિતા દલાલ સિતાર વાદનથી થઇ હતી.તેમણે રાગ કૌંસ અને રાગ તિલક કમોદની બંદિશ રજૂ કરી હતી. તબલા પર અમદાવાદનાં સપન અંજારિયાએ સંગત કરી હતી.

Your email address will not be published.