ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા હજી સુધી જોઈએ તેવો વરસાદી માહોલ જામ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 24મી જૂનથી વરસાદનું જોર વધશે. બીજી તરફ રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 જૂનના રોજ સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 25 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
22મી જૂનના રોજ સવારે છ વાગ્યાની સ્થિતિએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી સરેરાશ વરસાદની સરખામણીમાં 5.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 4.16 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 1.40 ટકા, ઉત્તર ગુજરાતમાં 3.30 ટકા, મધ્ય ગુજરાતમાં 2.91 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ 4.10 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગ: દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં ગુજરાત,મધ્યપ્રદેશમાં આગળ વધશે