કચ્છના મુંદ્રામાં વ્યાજે નાણાં ધીરનાર યુવકની બારોઈ સીમમાં ભેદી સંજોગોમાં હત્યા કરી દેવાયેલી લાશ મળી આવતાં સનસનાટી મચી જવા પામી છે.
વિગતો એવી છે કે દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા મુંદરાના બારોઈ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા શ્રીજીનગરમાં રહેતો હતો. મૃતક યુવક શ્રમજીવીઓને વ્યાજે નાણાંની ધીરધાર કરતો હતો.જમીને તે ઘરેથી નીકળી ગયો હતો. ત્રણ વાગ્યે પોતે બારોઈ બેઠો હોવાની પરિવારજનોને જાણ કરી હતી.
ત્યારબાદ તેનો ફોન સ્વિચ્ડ ઑફ થઈ ગયો હતો. સાંજે શોધખોળ કર્યાં બાદ કોઇ જ પત્તો ના લાગતા તેના પિતા અને કાકા મુંદરા પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ નોંધવવા ગયા હતા. જાણવાજોગ લખાવીને નીકળતાં હતા ત્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક યુવકની લોહીથી તરબોળ લાશ બારોઈથી ગોયરસમા તરફ જતાં વાડીવિસ્તારમાં ક્રીશ ફાર્મ હાઉસ નજીક પડી હોવાની માહિતી મળતાં તે ત્યાં દોડી ગયાં હતા.
બાવળની ઝાડીઓમાં દેવેન્દ્રસિંહની લાશ અને મોટર સાયકલ પડ્યાં હતા. ગળાના ભાગ પર તીક્ષ્ણ હથિયારનો ઘા હતો. હત્યા બાદ કોઈ જાનવરે ગળાથી મોઢા સુધીની ચામડી અને માંસપેશીઓ ખાધી હોવાનું હતું. સ્થળ પરથી દેવેન્દ્રનો મોબાઈલ ફોન અને પર્સ ગાયબ છે. પીઆઈ એમ.આર. બારોટે જણાવ્યું કે દેવેન્દ્ર આસપાસના લારી-ગલ્લાવાળા શ્રમજીવીઓને ડાયરી સિસ્ટમથી વ્યાજે નાણાંની ધીરધાર કરતો હતો. સઘળો હિસાબ મોબાઈલ ફોનમાં રાખતો હતો. વિવિધ એંગલ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ઘટના અંગે ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં દેવેન્દ્રસિંહના કાકા ધર્મેન્દ્રસિંહે અજાણ્યા શખ્સો સામે હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.