ગુજરાતમાં નવા 115 API યુનિટ્સ ચીન પરનું અવલંબન ઘટાડવામાં મદદ કરશે

| Updated: May 4, 2022 12:17 pm

અમદાવાદઃ ગુજરાતમાં નવા 115 API યુનિટ્સની સ્થાપના થવાના પગલે દવા ક્ષેત્રે ભારતને ચીન પરનું અવલંબન ઘટાડવામાં મદદ મળશે. તેની સાથે રાજ્યમાં બે હજાર કરોડનું રોકાણ પણ થશે.

કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ સેક્ટરના મોરચે ચીન પરનું અવલંબન ઘટાડવાનો નિર્ણય કર્યો છે, તેના પગલે જ આ એકમોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કાર્યરત ફાર્મા કંપનીઓ ફોર્મ્યુલેશન સેક્ટરમાં આગેવાન છે અને આત્મનિર્ભર છે. પણ  APIના મોરચે વિપરીત સ્થિતિ છે. તેમા ચીન પરનું અવલંબન વધારે છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલના એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના કમિશ્નર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 3,415 ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ્સ છે. તેમાથી 1,567 બલ્ગ ડ્રગ્સ બનાવે છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં બીજા 288 પ્લાન્ટ્સને મંજૂરી મળી છે. આ નવી મંજૂરીમાંથી 40 ટકા પ્લાન્ટ્સ એટલે કે 115 એકમ  APIનું ઉત્પાદન કરશે.

ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે ગુજરાત જ નહી ભારતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વિટામિન્સ, એન્ટિબાયોટિક્સ અને સ્ટોરોઇડ્સ માટેની જથ્થાબંધ દવાઓ મેળવવા ચીન પર ખૂબ જ નિર્ભર છે. હવે નવા એકમો આવતા ચીન પરનું અવલંબન ઘટશે. તેમા પણ  API પાર્ક શરૂ થયા પછી મોટી કંપનીઓ પણ રોકાણ કરશે.

ગુજરાત એફડીસીએ મુજબ 2019-20 સુધી એપીઆઇનું ઉત્પાદન કરતા નવા એકમોની સંખ્યા 30 હતી જે હવે બમણી થઈ ગઈ છે. ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે કોરોનાના ચેપ પછી ચીનથી આવતા પુરવઠાને બ્રેક વાગતા  APIના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે હવે જો ગુજરાતમાં સ્વદેશી ઉત્પાદન વધશે તો  APIના ભાવ પણ નીચે આવશે.

રા્જ્યમાં હાલમાં ફાર્મા ઉત્પાદકો સક્રિય ફાર્મા ઘટકો જેવા કે સ્ટેરોઇડ્સ, સેફાલોસ્પોરિન્સ, ઇનઓર્ગેનિક સોલ્ટ્સ, પ્રોટોન પંપ ઇન્હિબિટન્ટ્સ, એનાલ્જેસિક્સ, એન્ટિપ્રાયરેટિક્સ વગેરે બનાવે છે. આમાના મોટાભાગનાએ મહત્વના કાચા માલની આયાત કરવી પડે છે. નવા એકમોના આગમનના પગલે હોર્મોન્સ વિટામિન્સ, સ્ટેરોઇડ્સ અને એન્ટિબાયોટિક્સ માટે  API ગુજરાતમાં બનાવવામાં આવશે. જ્યારે અગાઉ તેની મુખ્યત્વે ચીનમાંથી આયાત કરવામાં આવતી હતી.

ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (આઇડીએમએ)ના ગુજરાત ચેપ્ટરના ચેરમેન શ્રેણિક શાહના જણાવ્યા મુજબ ફાર્મા સેક્ટરની કેટલીક કંપનીઓ  APIના ઉત્પાદનમાં પ્રવેશવા ઉત્સુક છે. હાલમાં લગભગ 1,500 એકમો  APIનું ઉત્પાદન કરી રહ્યા છે. અસ્તિત્વમાં આવનારા નવા એકમો મુખ્યત્વે MSME છે.

Your email address will not be published.